સુરત પાલિકાના બાંકડાનો ખાનગી રીતે ભરપૂર ઉપયોગ પ્રજાના પૈસાનો દુરુપયોગ
- ગોપીપુરામાં બંધાતા બિલ્ડીંગ મટીરીયલ્સના ઢગલા પર કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા
- પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટના બાકડાંનો સૌથી વધુ દુરપયોગ બહાર આવતા બાકડાંના પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ
સુરત,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા આપવામાં આવે છે. જોકે,ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાંકડા નો દુરુપયોગ થતોહોવાની અનેક ફરિયાદ બાદ બાંકડ નહી મુકવા જોઈએ તેવી માગણી થઈ રહી છે. અત્યાર સુધી બાકડાનો જુદી જુદી જગ્યાએ ઉપયોગની ફરિયાદ બહાર આવી છે. પરંતુ સેન્ટ્રલ ઝોનના ગોપીપુરા વિસ્તારમાં બિલ્ડીંગ મટીરીયલ્સની રખેવાળી માટે બાકડાનો દુરપયોગ બહાર આવ્યો છે.
સુરત પાલિકાના આપમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરે પોતાના ઘરના ટેરેસ પર બાકડા મુકી દીધા બાદ કોર્પોરેટર અને ધારાસભ્યના ગ્રાન્ટના બાકડાના દુરપયોગના અનેક વિડીયો વાયરલ થયા છે. પાલિકા અને સરકારની ગ્રાન્ટના બાકડાનો દુરપયોગ થયો હોવાની અનેક ફરિયાદ છતાં પણ તંત્ર દ્વારા આવા દુરપયોગ સામે કોઈ પગલાં ન ભરાતા બાંકડાનો દુરપયોગ કરનારાઓની હિમત દિવસેને દિવસે વધી રહી છે.
બાંકડાનો દુરપયોગ કરનારા સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી બાંકડા પર દારુની મહેફિલ પણ વાયરલ થઈ રહી છે. તો હાલમાં પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરાના હનુમાન ચાર રસ્તા નજીક પાલિકાની સ્કુલ નજીક એક બિલ્ડીંગ બની રહ્યું છે. આ બિલ્ડીંગ બનાવવા માટે મટીરીયલ્સ મુકવામા આવ્યું છે તેના ઢગલા પર બાકડા મુકી દેવામા આવ્યા છે. બિલ્ડીંગ મટીરીયલ્સ સાચવવા માટે કોર્પોરેટરોની ગ્રાન્ટના નવા બાંકડાનો દુરપયોગથી લોકો ચોંકી ઉઠ્યા છે.
પાલિકા લાખો રૂપિયાના ખર્ચ કરીને બાંકડા લોકોની સુવિધા માટે મુકી રહી છે પરંતુ દિવસેને દિવસે બાંકડાનો દુરપયોગ સૌથી વધુ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. તેના કારણે બાંકડા આપવાના બદલે અન્ય કોઈ સુવિધામાં આ ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ કરવામા ંઆવે તેવી લોકો માગણી કરી રહ્યાં છે.