સુરત પાલિકાના માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પાંચમા પ્રયાસે પણ ઓફર નહી મળી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના  માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પાંચમા પ્રયાસે પણ ઓફર નહી મળી 1 - image


- ચાર વખત ટેન્ડરમાં કોઈ એજન્સી આગળ નહીં આવતાં પાલિકાએ સુધારેલી ડિઝાઇન-પ્લાનિંગ કર્યા બાદ પણ કોઈ ઓફર નહી મળી : હવે છઠ્ઠો પ્રયાસ કરવામાં આવશે

સુરત,તા.22 માર્ચ 2024,શુક્રવાર

સુરત પાલિકાના રીંગરોડ પર માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પાલિકા અને અસરગ્રસ્તોએ વધુ સમય રાહ જોવી પડશે. પાલિકાએ અત્યાર સુધીમાં ચાર ટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ કોઈ ઓફર આવી ન હતી. ત્યારબાદ પાલિકાએ ડિઝાઇન અને પ્લાનિંગ બદલ્યા બાદ પાંચમું ટેન્ડર બહાર પાડ્યું હતું ત્યાર બાદ પણ કોઈ એજન્સીએ ઓફર નહી કરતા હવે પાલિકા માન દરવાજા રી-ડેવલપમેન્ટ માટે છઠ્ઠો પ્રયાસ માટે આચાર સંહિતા પહેલા જ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. 

સુરતના રીંગરોડ પર છેલ્લા બે વર્ષથી માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે પરંતુ ઘોંચમાં પડ્યો છે. બે વર્ષ પહેલાં જર્જરિત ટેનામેન્ટમાંથી અસરગ્રસ્તોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. પાલિકાએ આ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યાર બાદ કોઈ એજન્સીની ઓફર નહી આવતા ધારાસભ્યની સંકલન બેઠકમાં અરવિંદ રાણા અને સંગીતા પાટીલે પ્રોજેક્ટ ઝડપથી શરુ કરી અસરગ્રસ્તોને ન્યાય આપવાની રજૂઆત કરી હતી. 

ધારાસભ્યોની ઉગ્ર રજુઆત બાદ પાલિકાએ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાની વાત કરી હતી. આ પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કોઈ એજન્સી આગળ આવી ન હતી. જેના કારણે પાલિકાએ આ પ્રોજેક્ટ માટે નવી ડિઝાઈન અને પ્લાનિંગ સાથે ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ આ પ્રકારના ટેન્ડર બાદ પણ કોઈ એજન્સી હજી આગળ આવી નથી. અત્યાર સુધીમાં પાલિકાએ પાંચ વખત ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ તેમાં સફળતા નહીં મળી ન હતી. ત્યારબાદ લોકસભાની ચુંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં જ છઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડી દીધા છે હવે 26 માર્ચ સુધીમાં ઓનલાઇન ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેવામાં આવશે. 

પાલિકા ટેન્ડર પ્રક્રિયા કરી રહી છે તો બીજી તરફ માનદરવાજા ટેનામેન્ટ સાથે આંબેડકર શોપીંગ સેન્ટરના શોપ હોલ્ડરો કાનૂની લડત લડી રહ્યા છે.


Google NewsGoogle News