સુરત પાલિકાના કેપીટલ કામનો ખર્ચ 2300 કરોડને પાર કરી ગયો : 31 માર્ચ સુધીમાં ત્રણ હજાર કરોડને પાર કરે તેવી શક્યતા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના કેપીટલ કામનો ખર્ચ 2300 કરોડને પાર કરી ગયો : 31 માર્ચ સુધીમાં ત્રણ હજાર કરોડને પાર કરે તેવી શક્યતા 1 - image


- પાલિકાના બજેટ સિવાય અન્ય કામગીરી પર આવશ્યક હોય તો જ કરવા સુચના 

- આ નાણાકીય વર્ષમાં  મૂળ બજેટમાં રજૂ થયેલી જોગવાઈ સામે 80 ટકા કામ થાય તેવી શક્યતા : વર્ષ 2023-24 ના બજેટમાં 3700 કરોડના કેપીટલ કામો રજૂ કરાયા હતા 

સુરત,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

સુરત પાલિકા કમિશ્નરે ગત વર્ષે રજુ કરેલા બજેટના કામ સિવાય અન્ય કોઈ કામ પર આવશ્યક ન હોય ત્યાં સુધી ખર્ચ ન કરવા માટેની સુચનાને કારણે આ  વર્ષે સુરત પાલિકાના બજેટમાં રજૂ કરવામાં આવેલા કેપીટલ કામોની જોગવાઈ સામે 80 ટકા કરતાં વધુ ખર્ચ થાય તેવું આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના બજેટમાં કેપીટલ કામ માટે 3700 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી અત્યાર સુધીમાં 2305 કરોડનો ખર્ચ થઈ ગયો છે. 31 માર્ચ 2024 સુધીમાં આ ખર્ચ 3000 કરોડને પાર કરી જાય તે માટે કવાયત થઈ રહી છે. 

સુરત પાલિકાના વર્ષ 2024-25 નું ડ્રાફ્ટ અને વર્ષ 2023-24 નું રિવાઈઝ બજેટ રજુ કરવા સાથે પહેલી વાર કોઈ પાલિકા કમિશનરે ગત વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા કામ અને થયેલા કામ નો હિસાબ કાર્ડ રજુ કર્યો હતો. આ કાર્ડ રજુ કરવા સાથે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ બજેટ વાસ્તવિક બજેટ બની રહે તે માટે આયોજન કરવામા આવ્યું છે. જે પ્રોજેક્ટ સાકાર થાય તેવા જ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ સિવાય જે કામ છે તેમાં અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ખર્ચ ન કરવા માટેની સુચના પણ આપવામાં આવી હતી. 

આવા પ્રકારના આયોજનના કારણે પહેલીવાર સુરત પાલિકાના કેપીટલ ખર્ચ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ 2305 કરોડને પાર કરી ગયો છે.  પાલિકા કમિશ્રે ગુલાબી બજેટ રજુ કરવાના બદલે વાસ્તવિક બજેટ રજુ કર્યું હતું તેના કારણે 2305 કરોડના કેપીટલ કામ થઈ ગયાં છે અને 3200 કરોડના થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

પાલિકા કમિશનરે  ડ્રાફ્ટ બજેટ વખતે જ વર્ષ દરમિયાન કરવાની કામગીરીનો રોડ મેપ સ્પષ્ટ કરી દીધો છે.   ગત વર્ષે કેટલાંક ઝોન-વિભાગો દ્વારા એક કામગીરી માટે ફાળવેલ જોગવાઇનો સમાન પ્રકારની અન્ય જગ્યાએ કામગીરી માટે કર્યા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું, પરંતુ વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે આ સીસ્ટમ પણ બંધ કરાવી દીધી છે.  કોઈપણ વધારાની કામગીરી કે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલ કામગીરી કરતાં અન્ય કામગીરી માટે બજેટ હેતુ ઝોન-વિભાગે એકાઉન્ટ વિભાગ સાથે પરામર્શ કરવાનું એક પ્રકારે ફરજિયાત બની ગયું છે. આ શિસ્તને પગલે મૂળ બજેટનો અગાઉના વર્ષોની તુલનામાં મહત્તમ ઉપયોગ કરવામાં તંત્રને સફળતા મળી છે. જેના કારણે બજેટનો પુરો ઉપયોગ થાય અને લોકોની સુવિધા ના કામમાં વધારો થાય તેવું આયોજન થઈ રહ્યું છે.


Google NewsGoogle News