ચંદની પડવાના તહેવારને લઈને સુરત પાલિકાએ માવાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું
- સુરતમાં ઘારી બને તે પહેલા માવાની ચકાસણી શરૂ
- પાલિકાના આરોગ્ય વિભાગએ તમામ ઝોનમાં આવેલી માવાની દુકાનોમાં સેમ્પલ લઈને લેબોરેટરીની ચકાસણી માટે મોકલી આપ્યા
સુરત,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
આગામી દિવસોમાં આવી રહેલા ચંદની પડવાના તહેવારને લઈને સુરતમાં ઘારીનું ઠુંમ વેચાણ થશે. સુરતના અનેક મીઠાઈના વેપારીઓએ ઘારી બનવાની શરૂઆત કરી છે તો પાલિકાએ પણ ઘરી બનાવવા માટે માવા ના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવાનું કામ કરવામાં આવે છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં ચંદની પડવાનો તહેવાર ભારે ધામ ધૂમથી ઉજવાશે. આ તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જશે. શહેરમાં મીઠાઈના વેપારી સાથે અનેક સંસ્થાઓએ ઘારી બનાવવાનો શરૂ કર્યું છે. ઘારી બનાવવા માટે માવા નો ઉપયોગ થાય છે પરંતુ ઘણી વખત માવો બગડેલો કે ભેળસેળ વાળો હોવાનો ફરિયાદ થઈ રહી છે. જેના પગલે આજે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં માવાનો વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડ્યા છે. માવાનો વેચાણ કરતી સંસ્થામાંથી માવાના નમુના લઈને ચકાસણી માટે ફૂડ લેબમાં મોકલી આપવામાં આવશે. જો કોઈ સંસ્થાના માવાના નમુના ફેલ થાય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.