સુરત પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા શાકમાર્કેટના પૈસા પાણીમાં ગયા : 56 શાકમાર્કેટમાંથી 22 માર્કેટમાં કોઈ વિક્રેતા બેસતા જ નથી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા શાકમાર્કેટના પૈસા પાણીમાં ગયા :  56 શાકમાર્કેટમાંથી 22 માર્કેટમાં કોઈ વિક્રેતા બેસતા જ નથી 1 - image

image : Freepik

- શાક માર્કેટની બહાર જ ફેરિયાઓના પારાવાર દબાણથી ભારે ટ્રાફિક સમસ્યા : પાલિકા દબાણ કરનારા સામે આકરા પગલાં ભરતી ન હોવાથી સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ પર શાકભાજી, ફ્રુટના વિક્રેતાના દબાણ દુર કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારમાં 54 શાક માર્કેટ બનાવી છે. પાલિકાએ શાકમાર્કેટ બનાવીને વિક્રેતાઓ માટે સ્ટોલ ફાળવણી પણ કરી દીધી છે. તેમ છતાં 54માંથી 34 શાક માર્કેટ એવી છે જેમાં શાકભાજી-ફ્રુટના વિક્રેતા બેસે છે પરંતુ પાલિકાએ બનાવેલી 22 શાક માર્કેટ એવી છે ત્યાં સ્ટોલ ફાળવણી કરી હોવા છતાં ફેરિયાઓ માર્કેટમાં બેસવાને બદલે શાકમાર્કેટ બહાર ગેરકાયદે દબાણ કરીને બેસી રહ્યા છે. પાલિકા દબાણ કરનારા સામે આકરા પગલાં ભરતી ન હોવાથી સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ ઝોનમાં 54 જેટલી શાક માર્કેટ બનાવી દીધી છે તેમ છતાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રુટવાળા દબાણની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે શાક માર્કેટ બનાવી છે તેમ છતાં દબાણ કેમ વધી રહ્યા છે તે માટે પાલિકાએ સર્વે કરાવતા ચોંકાવનારુ પરિણામ બહાર આવ્યું છે. પાલિકાના સર્વેમાં એવું બહાર આવ્યું છે કે પાલિકાએ બનાવેલી 54 શાક માર્કેટમાંથી 34 શાક માર્કેટ એવી છે કે જ્યાં પાલિકાએ સ્ટોલ ફાળવણી કરી છે તેમાંથી 34 માર્કેટમાં જ ફેરિયાઓ બેસી રહ્યાં છે. આ 34 માર્કેટમાં ફેરિયા બેસે છે તેની સાથે માર્કેટ બહાર પણ શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતા ફેરિયાઓ દબાણ કરી રહ્યાં છે. પાલનપોર પાટીયા વિસ્તારમાં બનાવેલા શાકમાર્કેટના કારણે સાંજે એક તરફનો આખો રોડ બ્લોક થઈ જાય છે. જેના કારણે રોજ ટ્રાફિક સમસ્યા થાય છે અને લોકોએ મજબુરીથી રોંગ સાઈડ વાહન ચલાવવા પડે છે. 

આ ઉપરાંત ચોંકાવનારો સર્વે એ થયો છે કે, પાલિકાએ બનાવેલી 22 શાક માર્કેટ આવી છે જેમાં ડ્રો કરીને ફેરિયાઓને સ્ટોલ ફાળવણી પણ કરી દીધી છે તેમ છતાં આ શાક માર્કેટમાં બેસવાને બદલે ફેરિયાઓ માર્કેટ બહાર ગેરકાયદે દબાણ કરીને ઉભા રહે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. પાલિકાના સર્વેમાં બહાર આવ્યું છે કે કતારગામ ઝોનમાં બનાવેલી ચાર શાક માર્કેટમાં ફેરિયાઓ બેસવાને બદલે બહાર દબાણ કરે છે. આવી જ રીતે ઉધના ઝોનમાં પાંચ શાકમાર્કેટ, લિંબાયત ઝોનમાં પાંચ શાકમાર્કેટ, અઠવા ઝોનમાં બે અને વરાછા બી ઝોનમાં 6 શાકમાર્કેટ એવી છે જેમાં પાલિકાએ ફેરિયાઓને સ્ટોલની ફાળવણી કરી છે તેમ છતાં ફેરિયાઓ શાક માર્કેટમાં બેસવાના બદલે બહાર ગેરકાયદે દબાણ કરીને ઉભા રહે છે. પાલિકા દ્વારા થોડા થોડા દિવસે સામાન જપ્ત કરવાની કામગીરી કરે છે પરંતુ કોઈ કડક કામગીરી ન થતાં દબાણની સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે.


Google NewsGoogle News