સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધા યોજાશે
- સુરત શિક્ષણ સમિતિની રાસ-ગરબા સ્પર્ધામાં 608 ખેલૈયા ભાગ લેશે 592 ઇનામ
- શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધામાં પહેલી વાર વાલીઓ પણ કૃતિ રજુ કરશે : વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તમામને પ્રમાણપત્ર મળે તેવું આયોજન
સુરત,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે પણ રાસ- ગરબા લોક નૃત્યની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પહેલી વાર વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ પણ પોતાની કૃતિ રજુ કરે તે પ્રકારનું આયોજન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે નવરાત્રિમાં રાસ ગરબા અને લોક નૃત્યની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહન ના ભાગ રુપે તમામને પ્રમાણપત્ર અને ઈનામ મળે તેવું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે પહેલી વાર શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓની કૃતિ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ વાલીઓ ગુજરાતી નહી પરંતુ અન્ય ભાષાના લોક નૃત્ય રજુ કરશે આ સ્પર્ધામા 96 જેટલા વાલીઓ 16 કૃતિ રજુ કરશે. આ ઉપરાંત કુલ 608 ખેલાયા ભાગ લેશે તેમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ને પ્રોત્સાહન મળે તે માટે પારિતોષિક આપવામાં આવશે.