સુરત પાલિકાના વહીવટી ભવનની કામગીરી નિહાળવા મ્યુનિ. કમિશનર સાઈટ વિઝીટ પર પહોંચ્યા
- પાલિકાના વહિવટી ભવનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરનો સ્ટાફ અને પાલિકાના સ્ટાફ સાથે કામગીરીના પ્રોગ્રેસની માહિતી મેળવી
સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનની કામગીરી આઠ વર્ષથી ફાઈલમાં દબાઈ ગઈ હતી પરંતુ સ્થળ પર કામગીરી થતાં જ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. નવા વહીવટી ભવનમાં પાલિકા સાથે સાથે અન્ય સરકારી કચેરીઓ પણ આવશે તેના કારણે પ્રોજેક્ટ ઘણો જ મહત્વનો બની ગયો હોય પાલિકા કમિશનર આ પ્રોજેક્ટ પર જાતે નજર રાખી રહ્યાં છે. આજે સવારે અચાનક જ પાલિકા કમિશનરે રીંગરોડ પર બની રહેલા વહીવટી ભવન ની કામગીરી નિહાળી અને કેટલીક સુચના આપી હતી.
સુરત મહાનગરપાલિકાના મુગલીસરાના વહીવટી ભવનની જગ્યાએ રીંગરોડ પર જૂની સબજેલની જગ્યાએ 1350 કરોડના ખર્ચે નવા વહીવટી ભવન કામગીરી જોરશોરમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 11 ટકા જેટલી કામગીરી પુરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી સૂચના હોવાથી પાલિકા તંત્ર આ પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન રાખી રહ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આ નવા વહીવટી ભવનમાં કેટલા બાંધકામનો ઉપયોગ કરશે અને રાજ્ય કેન્દ્ર સરકારની અલગ-અલગ કચેરીઓને કેટલી જગ્યા ફાળવવામાં આવશે? એટલે કે સ્પેસ શેરિંગ માટે સરકારને જરૂરી સૂચન કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાંચ સભ્યની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીના ચેરમેન તરીકે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જ્યારે સભ્યપદે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, માર્ગ-મકાન વિભાગના સચિવ, સુરત મનપા કમિશનર તથા જિલ્લા કલેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીની એક બેઠક પણ કરવામા આવી છે.
આ કમિટીની બેઠક બાદ આજે સવારે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ રીંગ રોડ ખાતે વહીવટી ભવનની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા. તેઓએ હાલ ચાલી રહેલી કામગીરીની માહિતી સાથે સાથે આગામી દિવસોમાં આ કામગીરી કેવી રીતે અને કેટલી ઝડપે કરવામા આવશે તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનો સ્ટાફ અને મશીનરીની વિગત સાથે સાથે પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ સુપરવિઝન કરી રહ્યાં છે તેઓની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશ્નર અચાનક જ સાઈટ વિઝિટ પર જતાં પાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પણ સતર્ક થઈ ગયા છે.