Get The App

સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં સાપધર બનાવવા માટે કવાયત : 1.54 કરોડના ખર્ચે બિલ્ડીંગ બનાવાશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં સાપધર બનાવવા માટે કવાયત : 1.54 કરોડના ખર્ચે બિલ્ડીંગ બનાવાશે 1 - image


- વેકેશન દરમિયાન સુરતીઓનો હોટ ડેસ્ટિનેશનને અપગ્રેડ કરાશે

- 2005માં સાપઘર માટે સ્ટ્રકચર ઉભુ કરાયું હતું પરંતુ તેનો ઉપયોગ થયો ન હતો, હાલ સ્ટ્રકચર સ્ટેબીલીટીમા અનફીટ થતા નવું બિલ્ડીંગ બનાવવા દરખાસ્ત

 સુરત,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

સુરત પાલિકાના સરથાણા ખાતે 81 એકરમાં પથરાયેલું  પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રાણી સંગ્રહાલય ( નેચર પાર્ક) વેકેશન અને રજાના દિવસોમાં સુરતીઓનું હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બની જાય છે. આ નેચર પાર્કને તબક્કાવાર ડેવલપ કરવા માટે આયોજન થઈરહ્યું છે. હાલમાં તળાવ ડેવલપ કરવા માટે દરખાસ્ત હતી. ત્યાર બાદ  હવે સરથાણા નેચર પાર્કમાં સાપ ઘર બનાવવા માટે આયોજન કરવામા આવ્યુંછે.  જોકે,  2005માં સાપઘર માટે સ્ટ્રકચર ઉભુ કરાયું હતું પરંતુ તેનો ઉપયોગ થયો ન હતો, હાલ સ્ટ્રકચર સ્ટેબીલીટીમા અનફીટ થતા નવું બિલ્ડીંગ બનાવવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. 

સુરત પાલિકાના સરથાણા વિસ્તારમાં તાપી નદી કિનારે 2003માં  પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રાણી સંગ્રહાલય ( નેચર પાર્ક) ની શરૂઆત કરી હતી. 81 એકરમાં ફેલાયેલા આ નેચર પાર્કમાં વિવિધ પ્રાણી, પક્ષીઓ છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. 21 વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા સરથાણા નેચર પાર્કમાં  પશુ, પક્ષી ના પાંજરા, આસપાસની જગ્યા તબક્કાવાર પુનઃવિકાસની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાલમાં જ બે તળાવને રિડેવલપ કરવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 

હાલમાં પાલિકા તંત્રએ નેચર પાર્કમાં સાપઘર બનાવવા માટેની કવાયત શરૂ કરી છે. આ કામગીરી માટે 1.47 કરોડનો અંદાજ તૈયાર કર્યો હતો. તે માટે બે એજન્સીઓએ અનુક્રમે 1.54 કરોડ અને 1.56 કરોડનું ટેન્ડર રજૂ કર્યુ હતુ. બન્ને ટેન્ડર અંદાજ કરતા 4.89 ટકા અને 5.87 ટકા ઊંચા હોવાની સાથે જ બે પૈકીનું નીચું એવું 1.54 કરોડનું ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 

જોકે, આ પહેલાં વર્ષ 2005ની આસપાસ નેચર પાર્કમાં સાપ ઘર બનાવવા માટે નિર્ણય કરાયો હતો અને તેના માટે એક બિલ્ડીંગ પણ બનાવવામા આવી હતી. ત્યાર બાદ કોઈક કારણસર તેમાં સાપ ઘર માટેનુ ઈન્ટીરીયર કરવામા આવ્યું ન હતું અને આ બિલ્ડીંગ બિન ઉપયોગી બની ગઈ હતી. અંદાજે 2005માં બનેલી આ બિલ્ડીંગમાં જ પહેલા સાપઘર શરૂ થાય તે માટે આયોજન કરાયું હતુ. પરંતુ બિલ્ડીંગની સ્ટ્રકચર સ્ટેબીલીટીની ચકાસણી કરાતા બિલ્ડીગ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અગાઉ આયોજન વિના બનાવેલી બિલ્ડીંગનો ઉપયોગ અને મરામત ન થતાં બિલ્ડીગ બિસ્માર બની ગયું છે અને તેમા સાપઘર શરૂ ન થાય તેમ છે. તેથી હવે નવી બિલ્ડીંગ બનાવી તેમાં સાપઘર શરૂ કરવા માટેની દરખાસ્ત પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.


Google NewsGoogle News