સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હીટવેવ : સુરતીઓને ગરમીથી બચવા પાલિકાએ એલ.ઈ.ડી.ના માધ્યમથી લોકોને અપીલ કરી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હીટવેવ : સુરતીઓને ગરમીથી બચવા પાલિકાએ એલ.ઈ.ડી.ના માધ્યમથી લોકોને અપીલ કરી 1 - image


Heatwave in Gujarat : ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુ પક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે માટે સુરત પાલિકા વિવિધ પ્રકારની જાહેરાત કરીને લોકોને અપીલ કરી રહી છે. 

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી આગ વરસતી ગરમી પડી રહી છે. આવા સમયે લોકોને લુ લાગવાનો ભય છે તેથી સુરત પાલિકાએ લોકોને આકરી ગરમીથી બચવા માટેના ઉપાય જણાવવા માટે અન્ય માધ્યમ સાથે LEDડીનો સહારો લીધો છે. સુરતના રસ્તા પર મુકવામાં આવેલા એલ.ઈ.ડી. પર ગરમીથી બચવાના ઉપાય તથા અન્ય સૂચના આપવામાં આવી છે. 

સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે આકરી ગરમીના કારણે બપોરે કર્ફ્યુ જેવો માહોલ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે લોકોને લુ લાગવાની તથા બિમારીની શક્યતા રહેલી છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે પાલિકા લોકોને અપીલ કરી રહી છે. સોશ્યલ મિડિયાના માધ્યમ, અખબાર તથા અન્ય માધ્યમ સાથે સાથે પાલિકાએ હવે જાહેર રસ્તા પર લગાવવામાં આવેલા એલ.ઈ.ડીનો સહારો લીધો છે. 

સુરત શહેરના અનેક રસ્તા પર હાલ એલ.ઈ.ડી થકી જાહેરાત કરવામાં આવે છે તેમાં સુરતીઓને વેરો ભરવા સાથે પાલિકાની યોજના અને અન્ય માહિતી એલ.ઈ.ડી. પર પ્રદર્શિત કરવામાં આવે છે. હાલ પાલિકાએ એલઈડી પર ગરમીથી કેવી રીતે બચી શકાય તે માટેની માહિતી પ્રદર્શિત કરી છે અને લોકોને ગરમીથી ગઈ રીતે બચી શકાય તેનો ઉપાય જણાવી તેનું પાલન કરી હીટ સ્ટ્રોકથી બચવા માટે અપીલ કરી છે. 

ઉપરાંત બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સ ન લેવા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ નહીં કરવા માટે સુચના આપવામાં આવી છે. 

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હીટવેવ : સુરતીઓને ગરમીથી બચવા પાલિકાએ એલ.ઈ.ડી.ના માધ્યમથી લોકોને અપીલ કરી 2 - image

હીટવેવની આગાહીના પગલે નાગરિકો “લૂ” થી રક્ષણ મેળવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

સુરત પાલિકાએ એલ.ઈ.ડી. માધ્યમથી લોકોને ગરમીથી બચવા ઉપાય સુચવ્યા છે તેમાં શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો હિતાવહ છે તેવું જણાવ્યું છે.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી રાખવા તાકીદ કરવામાં આવી છે.    

જો કોઇ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ શરબત જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા માટે સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News