સુરતઃ કોરોનાના કેસ વધતા મ્યુનિ. કમિશરે લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી કરી
સુરત, તા. 6 જુલાઇ 2020, સોમવાર
રાજ્યમાં અમદાવાદને પાછળ છોડી છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. જેને પગલે આજે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિપાનીએ શહેરીજનો માટે ઓડિયો મેસેજ દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર કે પ્રવાસ ટાળવા વિનંતી કરી છે. ઉપરાંત જો જરૂર જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.
કતારગામ, અડાજણ અને વરાછામાં કોરોનાના કેસમાં વધારો
સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સુરતમાં ગઈકાલ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 5693 પર પહોંચી ગઈ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ હોવા છતાં હજી પણ અનેક લોકો માસ્ક વિના બિંદાસ્ત ફરતાં જોવા મળી રહ્યાં છે. રાંદેર ઝોન વિસ્તારના અડાજણ, પાલ અને પોલનપોર ઉપરાંત છાપરાભાઠા વિસ્તારમાં પણ વાઈરલ લોડ વધુ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના લોકોએ ખાસ કાળજી રાખવા તથા માસ્ક વિના બહાર ન નિકળવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની જરૂર હોવાનું મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું.
ઓડિયો મેસેજ વડે લોકોને કરી અપીલ
મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ આજે વહેલી સવારે સુરતના તમામ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, સંક્રમણ વધી રહ્યું હોવાથી લોકો ટોળા વળી ભેગા થઈ રહ્યાં છે તે અત્યંત જોખમી છે. આ ઉપરાંત કેટલાક લોકો બર્થ ડે પાર્ટી તથા અન્ય સેલિબ્રેશન પાર્ટી ભેગા થઈને કરે છે તે કોરોનાના સંક્રમણ માટે જવાબદાર બની શકે છે. સુરત મહાનગપાલિકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી મ્યુનિ. કમિશ્નરે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ફરજ્યાત કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત લોકો ટોળા વળીને સંક્રમણ ન ફેલાવે તેની પણ અપીલ કરી છે.