ગંદા પાણીને ટ્રીટ કરી આવક મેળવવામાં સુરત અગ્રેસર : 10 વર્ષમાં પાલિકાને ટર્શરી ટ્રીટ કરેલા પાણીથી 557 કરોડની આવક
Surat Corporation News : સુરત મ્યુનિ. વિસ્તારની આસસાપ આવેલા ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ કરીને પાણી પુરી પાડવાની કામગીરી વર્ષ 2014 થી પાલિકાએ શરૂ કરી છે. શરૂઆતના દિવસોમાં ટર્શરી ટ્રીટ કરેલું પાણી પુરૂ પાડવા માટે પાલિકાને મુશ્કેલી પડી હતી. પરંતુ પાલિકાએ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મીઠા પાણીની બચત કરવા સાથે સાથે ઉદ્યોગોને આ પાણી પુરૃ પાડવા માટેની કામગીરી ચાલુ રાખી હતી. સુરત પાલિકાએ વર્ષ 2014 થી સુએઝના ગંદા પાણીને અમરેલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનું બનાવીને ઉદ્યોગોને આપવાનું શરૂ કર્યું હતું. અને છેલ્લા દસ વર્ષના આંકડા જોવામાં આવે તો સુરત પાલિકાને આ 10 વર્ષમાં ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી ઉદ્યોગોને આપીને 557 કરોડની આવક ઉભી કરવામાં સફળતા મળી છે. આ ડિમાન્ડ વધતા પાલિકાએ વધુ 35 એમ.એલ.ડી.નો પ્લાન્ટ બનાવવા આયોજન કર્યું છે.
સુરત મ્યુનિ.એ ડ્રેનેજનું ગંદુ પાણી જ ટ્રીટ કરીને સીધું તાપી નદીમાં ઠાલવામા આવતું હતું પરંતુ પાલિકાની ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી ઉદ્યોગોને આપવાની યોજના બાદ તે બંધ થયું છે. પાલિકાની આ કામગીરીના કારણે તાપી નદીના પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સુરત મ્યુનિ.એ સુરતના ઉદ્યોગોને પાણી પુરૂ પાડવા સાથે મીઠા પાણીની બચત કરી અને ગંદા પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગો પાસે આવક મેળવી છે.
સુરત પાલિકાનું ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન પાલિકા અને સુરતીઓ બન્ને માટે ફાયદાકારક બની રહ્યું છે. હાલમાં સુરત પાલિકા પાસે 115 એમ.એલ.ડી.ના 3 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. સુરત પાલિકાને માર્ચ 2024 સુધીમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે 557 કરોડની આવક થઈ છે. આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે કેપીટલ કોસ્ટ અને મેન્ટેન્સ પાછળ અત્યાર સુધીમાં 379 કરોડનો ખર્ચ થવા પામ્યો છે. આ ઉપરાંત હાલમાં પાલિકા વધુ એક 35 એમ.એલ.ડી.ના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા આયોજન કરી રહી છે તેના કારણે પાલિકાએ વધુ 42 કરોડની આવક થશે તેવો અંદાજ છે અને તેને બનાવવા માટે 100 કરોડના ખર્ચનો અંદાજ છે.
સુરત પાલિકા ગંદા પાણીને ટ્રીટ કરીને આવક મેળવવામાં દેશમાં તો અગ્રેસર છે પરંતુ વિદેશમાં સેમીનારમાં સુરત પાલિકા ભાગીદાર બને છે ત્યાં પણ સુરત પાલિકાના આ પ્રોજેક્ટને આવકારવામાં આવી રહ્યો છે. સુરત પાલિકા ઉદ્યોગોને મીઠું પાણી આપવાના બદલે 115 એમ.એલ.ડી. જેટલું ટ્રીટ કરેલું પાણી આપે છે તેથી સુરતીઓને 115 એમ.એલ.ડી. પાણી વધુ ઉપયોગ કરવા મળી રહ્યું છે.