સુરતના અઠવા ચોપાટીનો સ્વિમિંગ પુલ બચાવવા લોકો સાથે હવે પુર્વ કોર્પોરેટર પણ જોડાયા
- સુરતમાં મેટ્રોમાં જતી મિલ્કત બચાવવા હજી શાસક-વિપક્ષ કોર્પોરેટરો ચુપ છે
- મેટ્રોના ગોડાઉન માટે અન્ય સ્થળે જમીન ફાળવવા કમિશનરને પૂર્વ શહેર ભાજપ પ્રમુખે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી
સુરત,તા.09 માર્ચ 2023,ગુરૂવાર
સુરતમાં મંટ્રોની કામગીરી દરમિયાન સુરતના પહેલો બાળ સ્વીમીંગ પુલ ને ગોડાઉન બનાવી દેવા માટેની કવાયત શરુ થઈ ગઈ છે. સુરત નો પહેલો સ્વીમીંગ પુલને ગોડાઉન બનતો બચાવવા હજી સુધી ભાજપ કે આપના કોર્પોરેટરોએ કોઈ રજૂઆત કરી નથી. પરંતુ પૂર્વ કોર્પોરેટર અને પુર્વ શહેર ભાજપ પ્રમુખે મેટ્રોના ગોડાઉન માટે અન્ય સ્થળે જમીન ફાળવવા કમિશનરને પત્ર લખ્યો છે જેના કારણે સ્વીમીંગ પુલ બચાવવા માટેના હરિઓમ આશ્રમને થોડી આશા બંધાઈ છે.
સુરત મહાનગરપાલિકા ચોપાટી ખાતે આવેલ શહેરના પહેલા બાળ સ્વિમિંગ પુલ મેટ્રો પ્રોજેક્ટ માટે ગોડાઉન ફાળવવાના નિર્ણયને પગલે મોટો વિવાદ ઉભો થયો છે. આ સ્વીમીંગ પુલ યથાવત રાખવા માટે હરિઓમ આશ્રમ દ્વારા રજુઆત કરવામાં આવી છે પરંતુ હરિઓમ આશ્રમના સંચાલકોને ભાજપ-આપ કે કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષનો સાથ હજી સુધી મળ્યો ન હતો. પરંતુ આજે શહેર ભાજપના પુર્વ પ્રમુખ અને પુર્વ કોર્પોરેટર એવા નીતિન ભજીયાવાલાએ મ્યુનિ.કમિશ્નરને સુરતના સૌથી પહેલો સ્વીમીંગ પુલ બચાવવા માટે પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે સંત શ્રી હરિઓમ આશ્રમના સ્થાપક શ્રી પૂજ્ય મોટા દ્વારા 1967માં 2.20 લાખ રૂપિયાનું દાન આપી તરવૈયાઓ અને શહેરીજનોના હિતમાં તરણ કુંડ બનાવવામાં આવ્યો હતો. અઠવા લાઈન્સ ખાતે આવેલ શહેરના આ પહેલા તરણકુંડ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવતા તરવૈયા સહિત શહેરીજનોમાં પણ ભારોભાર રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે હવે બાળકો માટે ઉપયોગી એવા આ તરણકુંડ તૂટતો અટકાવવા માટે મેટ્રો પ્રોજેક્ટના ગોડાઉન માટે અન્ય સ્થળે જમીનની ફાળવણી અંગે પણ તેઓએ રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ હવે અન્ય લોકો પણ સુરતના પહેલા સ્વીમીંગ પુલને બચાવવા માટે આગળ આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.