લાંબા સમય બાદ દબાણ માટે કુખ્યાત સુરતની નવસારી બજારમાંથી દબાણ દૂર કરાયા : 17 લારીઓ, 10 કાઉન્ટર સહિત અનેક વસ્તુઓ જપ્ત
Surat Corporation Demolition : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ માટે કુખ્યાત એવા નવસારી બજારમાંથી લાંબા સમય બાદ પાલિકા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. ગઈ કાલે મોડી સાંજે દબાણ હટાવાતા ટ્રાફિક સમસ્યામાં હળવી થઈ હતી. પરંતુ આગામી દિવસમાં ફરી દબાણ ન થાય તેવી કામગીરી થાય તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા રાજશ્રી પાણીની ટાંકી નવસારી બજાર સર્કલ થી તલાવડી રોડ સુધીના રસ્તા ઉપર બંને બાજુ અને નવસારી બજાર સર્કલ થી પાણીની ટાંકી થઈ ન્યુ ખ્વાજા દાના રોડ સુધીના રસ્તા તથા ફૂટપાથ ઉપર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદે દબાણ કરી દેવામાં આવે છે. આ દબાણના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ દબાણ કરનારા માથાભારે તત્વો હોવાથી પાલિકા કાયમી ધોરણે દબાણ હટાવી શકતી નથી.
જોકે, ગઈકાલે લાંબા સમય બાદ પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જેમાં 12 ખુલ્લી લારીઓ, સાત બંધ લારી, 10 કાઉન્ટર, 16 લોખંડના ટેબલ, 9 કબાટ અને 12 પાણીની ટાંકી અને કાટપીટીયાનો સામાન જપ્ત કર્યો છે. આજે દબાણ હટાવી દેતા ટ્રાફિક સમસ્યા હળવી થઈ હતી પરંતુ આ સમસ્યા કાયમી દુર થાય અને દબાણ કાયમી હટે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.