સુરત : ઇલેક્ટ્રીક કોડિયાના આક્રમણ સામે માટીના કોડીયાની ડિમાન્ડ યથાવત
- સમયની સાથે માટીના કોડીયા બનાવવાનો ચાકડો લાકડાના બદલે ઈલેકટ્રીક બન્યો
- માત્ર બે ધોરણ ભણેલા અમદાવાદ મનુભાઈ પ્રજાપતિ પોતાની કલ્પના શક્તિ પ્રમાણે જુદા કોડિયાની ડિઝાઈન બનાવે છે : ગણતરીની મિનિટોમાં ઈલેક્ટ્રીક ચાકડા પર દિવડા બનાવી વેચાણ કરે છે
સુરત,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર
શ્રાદ્ધ પક્ષ પુરો થતાની સાથે જ માતાજીની ભક્તિનો તહેવાર નવરાત્રી અને ત્યાર બાદ રોશનીનો તહેવાર દિવાળી આવશે. આ બન્ને તહેવારોમાં પ્રકાશના પ્રતિક એવા દિવડાનું મહત્વ વધુ છે. જોકે, સુરત સહિત ગુજરાતમાં ઇલેક્ટ્રિક કોડિયાના આક્રમણ સામે માટીના કોડીયાની ડિમાન્ડ યથાવત જોવા મળી રહી છે. જેના કારણે મૃતઃપ્રાય થવા જઈ રહેલા કોડિયાનો ધંધો ફરી પાટા પર ચઢી રહ્યો છે. સમયની સાથે સાથે માટીના કોડીયા બનાવવાનો ચાકડો લાકડાના બદલે ઈલેકટ્રીક બની ગયા છે. પરંપરાગત કારીગરો પર હવે તેનો ઉપયોગ કરીને ઝડપી ઉત્પાદન કરતા થયા છે.
સુરતના સાયન્સ સેન્ટરમાં હાલમાં ક્રાફ્ટનું એક એક્ઝિબ્યુશન શરુ થયું છે તેમાં કલાકારોની કલાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ જગ્યાએ અમદાવાદના એક કોડિયા બનાવનાર કારીગરનો પણ સ્ટોલ છે. અમદાવાદના મનુભાઈ પ્રજાપતિ માત્ર બે ધોરણ સુધી જ ભણેલા છે અને પોતાના બાપદાદાના કુંભારનાં ધંધામાં તેઓ સમજતા થયા ત્યારે જ જોડાય છે. છેલ્લા 64 વર્ષથી દિવડા બનાવવાનું કામ કરનારા મનુભાઈ કહે છે, પહેલા હાથથી ચાકડો ફેરવી તેના પર માટી મુકીને દિવા તથા માટીના વાસણ બનાવવામાં આવતા હતા.પરંતુ સમય અને જગ્યાના અભાવના કારણે લાકડાના ચાકડાને બદલે અનેક કારીગરો ઈલેક્ટ્રીક ચાકડાનો ઉપયોગ કરતા થયા છે.
તેઓ કહે છે પહેલાં એક સરખા દિવડા બનાવવામા આવતા હતા પરંતુ બજારમાં ચાઈનીઝ તથા અન્ય ફેશનેબલ દિવડા આવ્યા તેના સામે અમે અમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને જાત જાતના દિવડા બનાવીએ છીએ. પરંપરાગત કોડિયાની સાથે સાથે અમે પવનના કારણે હોલવાઈ નહી તેવા દિવા પણ બનાવીએ છીએ. અમે જે ડિઝાઈન જોઈએ છીએ તેના કરતાં પણ સારી ડિઝાઇન બનાવી કોડિયાનો આકાર આપી રહ્યાં છે અને આ કોડિયાની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા આવા પ્રકારના પ્રદર્શન વેચાણ રાખવામા આવે છે તેના કારણે અમારા જેવા કારીગરોને ફાયદો થઈ રહ્યો છે.
મનુભાઈ કહે છે, શહેરોમાં આ કળા હવે જોવા મળતી નથી તેથી કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને બતાવવા માટે પણ અમને બોલાવાવામ આવે છે અને અમે આધુનિક ચાકડો લઈને વિદ્યાર્થીઓને માટીના વાસણ કેવી રીતે બને છે તેની સમજણ આપીએ છીએ છેલ્લા ઘણા વખતથી આ પ્રકારની એક્ટીવીટીના કારણે કારીગરોને રોજીરોટી મળી રહી છે.