માતૃભાષા દિવસ : સુરત પાલિકા એક-બે નહીં છ માતૃભાષાને જીવંત રાખવા છ ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપે છે
- ભારતના જુદા જુદા પ્રાંતમાંથી લોકો રોજીરોટી માટે સુરત આવે છે તેમની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી સુરત પાલિકા નિભાવી રહી છે
સુરત,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
સુરત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં તમામ મહાનગરપાલિકા પોતાના પ્રાંતની ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. પરંતુ ભારતની એક માત્ર સુરત પાલિકા એવી છે કે જે માતૃભાષા ગુજરાતી જ નહી પરંતુ તેની સાથે અંગ્રેજી સહિત છ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. સુરત પાલિકાના આ પ્રયાસને કારણે ગુજરાતી સિવાય 74 હજારથી વધુ વિદ્યાર્થીઓ અન્ય ભાષામાં શિક્ષણ લઈ પોતાની માતૃભાષાને જીવંત રાખી રહ્યાં છે.
સુરત મેટ્રો સીટી તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાં રોજગારીની તકો વધુ હોવાથી દેશના તમામ રાજ્યથી લોકો રોજગારી માટે સુરતની પસંદગી કરી રહ્યાં છે. સુરતનો વિકાસ રોકેટ ગતીથી થતો હોય સુરત મોસ્ટ લિવેબલ સીટી બની રહ્યું છે. વિવિધ પ્રાંતના લોકો રોજગારી માટે સુરત આવી રહ્યાં છે તેમાંથી કેટલાક પરિવાર સાથે આવી રહ્યાં છે. આવા પરિવારના બાળકોને તેમની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવા માટે સુરત પાલિકા કટીબધ્ધ છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાતી સહિત છ ભાષામાં શિક્ષણ આપી રહી તેમાં અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થાય છે.
સુરત મીની ભારત બની ગયું હોવાથી સુરતમાં મુળ ગુજરાતી સાથે હિન્દી ભાષી, મહારાષ્ટ્રીયન, લશ્રુમતિ સમાજ, અને ઉડીયા તથા તેલુગુ ભાષાના લોકો સાથે અનેક લોકો વસવાટ કરે છે. પાલિકાએ જે સમાજની વસ્તી વધુ છે અને તેમના બાળકોને તેમની જ માતૃભાષામાં શિક્ષણ આપી રહી છે આવી રીતે પ્રાથમિક શિક્ષણ આપનારી સુરત દેશની એક માત્ર મહાનગરપાલિકા છે.
સુરત પાલિકાએ અંગ્રેજી સાથે સાથે અન્ય પ્રાંતની પણ માતૃભાષા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે તેના કારણે 74 હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવી રહેતા પરપ્રાંતિય બાળકોને તેમની ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સવાર અને બપોર પાળી મળી કુલ 358 શાળા ચાલી રહી છે. જેમાંથી સૌથી વધુ ગુજરાતી માધ્યમની 229 શાળા છે જ્યારે બીજા નંબરે 56 પ્રાથમિક શાળા મરાઠી માધ્યમની છે. આ ઉપરાંત લધુમતિ સમાજ માટે ઉર્દુ માધ્યમની 28, હિન્દી માધ્યમની 26, અંગ્રેજી માધ્યમની 11 અને ઉડિયા ભાષાની 8 શાળા છે. જેમાંથી 1.85 લાખ વિદ્યાર્થીઓ વિવિધ પ્રાંતની માતૃભાષામાં અભ્યાસ કરી રહ્યાં છે. આ બાળકોને 4111 શિક્ષકો શિક્ષણ આપી રહ્યાં છે.