Get The App

સુરતની 50 કરતાં વધુ સોસાયટીઓમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલવા પાલિકાની કવાયત

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
સુરતની 50 કરતાં વધુ સોસાયટીઓમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન બદલવા પાલિકાની કવાયત 1 - image


Drainage Lines in Surat : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની અનેક ફરિયાદ આવી રહી છે. આ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન 30 થી 35 વર્ષ જૂની હોવાથી જર્જરિત થતાં આવી ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આવી લાઇન બદલવા માટે ઝોન અને ડ્રેનેજ વિભાગ દ્વારા સર્વે કરવામા આવી રહ્યો છે. હાલમાં સેન્ટ્રલ ઝોનમાં એક સોસાયટીમાં જર્જરિત થયેલી ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. અને આગામી દિવસોમાં સુરત શહેરમાંથી 50 જેટલી સોસાયટીઓમાં જર્જરિત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વર્ષો જુના ડ્રેનેજ નેટવર્ક ધરાવતા સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના આધારે આ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી સાથે સાથે સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ દ્વારા વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી ડ્રેનેજ લાઈનને બદલે નવી લાઈન નાખવા માટેની અરજી પણ આવી હતી. આ મુદ્દે સુરત પાલિકા દ્વારા વિચારણા કરીને આવી લાઇન બદલવા માટે નિર્ણય કરાયો હતો. 

સુરતના કોટ વિસ્તાર અને કતારગામ-રાંદેર અને અઠવા ઝોન સહિત અન્ય ઝોનમાં  કેટલીક સોસાયટીઓમાં 30 થી 35 વર્ષ જુની ડ્રેનેજ લાઈન છે તેને બદલવા માટે અરજીઓ આવી છે તે અરજીઓ પર ઝોનના ડ્રેનેજ વિભાગ અને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કન્સલ્ટન્ટ પાસે સર્વે કરાવીને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ડ્રેનેજ લાઈન બદલવામાં આવશે. જર્જરિત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટેની નીતિ હાલ અમલમાં છે તેના આધારે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 4 માં આવેલી એક સોસાયટીમાં 35 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે.

આવી જ રીતે સુરત પાલિકાના અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 22 અને ઉધના એ ઝોનમાં 2 લિંબાયત ઝોનમાં 12 સહિત 50 જેટલી ખાનગી સોસાયટીઓમાં જર્જરિત થયેલી લાઇન બદલવા માટે આયોજન કરવામા આવ્યું છે. આ કામગીરીના કારણે વર્ષો જૂની લાઈન ને બદલે નવી લાઈન નંખાશે અને તેના કારણે ડ્રેનેજ ચોક અપની ફરિયાદોમાં મહત્તમ ઘટાડો જોવા મળશે.


Google NewsGoogle News