સુરત પાલિકાનો નવતર પ્રયોગ : છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી 32.56 કિલોમીટર રોડ બનાવ્યા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાનો નવતર પ્રયોગ : છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી 32.56 કિલોમીટર રોડ બનાવ્યા 1 - image


- એક કિલોમીટરનો રોડ બનાવવા માટે દસ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે : આ પ્રોજેક્ટને સફળતા મળે તો કાયમી અમલ કરવા વિચારણા 

સુરત,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

સુરત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દુષણ સામે ઝઝૂમી રહ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવા પ્રયાસ વચ્ચે સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરના રોડ બનાવ્યા છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે જો આ પ્રોજેક્ટ સફળ થાય તો પાલિકા દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન થઈ રહ્યું છે. 

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે. જોકે, પ્લાસ્ટિક લોકોના જીવન સાથે વણાઈ ગયું હોય જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેના નિકાલ માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે. સુરત પાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરી નો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જેમાં ડામરની જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ રોડ બનાવવા માટે કરવામાં આવે છે. 

આ ઉપરાંત પાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક માંથી દૈનિક 20 એમ.ટી. પેલેટસ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ માટે કરવામાં આવે છે. જ્યારે એક કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, હાલમાં પાલિકાએ 32.56 કિલોમીટરના રોડ પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. આ પાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ છે અને તે સફળ થાય તો આગામી દિવસોમાં વધુ રોડ પણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.


Google NewsGoogle News