સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં કોલેજ બહાર સ્ટ્રીટ ફૂડ પર પાલિકા અને પોલીસનું સંયુક્ત ચેકીંગ
Surat Food Cheaking : સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને પોલીસના એસ.ઓ.સી. દ્વારા સ્ટ્રીટ ફૂડના સ્ટોલ પર અચાનક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા અને પોલીસ એક સાથે સ્ટ્રીટ ફુડ સ્ટોલ પર ચેકિંગ કરતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે સ્ટ્રીટ ફુડમાં નશાકારક પદાર્થ છે કે કેમ તેનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી સંસ્થા પર ચેકિંગ કરવા સાથે સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઓછી હોય કે ભેળસેળ હોય તેવા કિસ્સામાં દંડ કરીને કોર્ટ કેસ પણ કરવામા આવે છે. જોકે, રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ પાલિકા તંત્ર સીલીંગની કામગીરીમાં જોડાયા હોય ખાદ્ય પદાર્થના ચેકિંગ પર બ્રેક લાગી ગઈ હતી.
જોકે, આજે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કોલેજ બહાર સંખ્યાબંધ સ્ટ્રીટ ફૂડ સ્ટોલ છે. અહીં મેગી, આલુપુરી સહિતની અનેક ખાદ્ય વસ્તુઓનું વેચાણ થાય છે અને આ જગ્યાએ સ્ટુડન્ટની ભારે ભીડ કાયમ જોવા મળે છે. આજે સુરત પાલિકાના ફૂડ વિભાગ સાથે સાથે પોલીસના એસ.ઓ.જી. સાથે મળીને આ સ્ટ્રીટ ફુડ સ્ટોલ પર ચેકિંગની કામગીરી શરુ કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસ દ્વારા એક સાથે કામગીરી કરવામા આવતી હોય ભારે આશ્ચર્ય સર્જાયું છે. પાલિકા તંત્ર ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ છે કે ગુણવત્તાવાળી છે તેની ચકાસણી કરે છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ખાદ્ય સામગ્રી હેઠળ કોઈ નશા વાળા પદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે.