ચીનમાં ભેદી રોગથી સર્જાયેલી સ્થિતિથી સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, રજા પર ગયેલા તબીબી સ્ટાફને હાજર થવા ફરમાન
સુરત, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર
ચીનમાં ભેદી રોગના કારણે ઉદ્દભવેલી મહામારીના કારણે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે.જેના પગલે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ,વોર્ડની વ્યવસ્થા,મેડિસિન તેમજ પીએસએ પ્લાન્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરવા અંગેની સૂચના આપવામાં આવી છે.જેના અનુસધાનમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવી છે.સાથે જ રજા પર ગયેલા તમામ તબીબોને તાત્કાલિક હાજર થવા અંગેની સૂચના આપવામાં આવી છે.
ચીનમાં ભેદી રોગથી સર્જાયેલી સ્થિતિથી સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, રજા પર ગયેલા તબીબી સ્ટાફને હાજર થવા ફરમાન#SuratCivilHospital #ChinaDisease #MedicalStaff pic.twitter.com/6sDuvkIHYv
— Gujarat Samachar (@gujratsamachar) November 28, 2023
ચીનમાં કોરોના બાદ હવે ભેદી રોગના કારણે મહામારી વકરી છે.ભેદી રોગોમાં કારણે બાળકો થી લઈ મોટી વય સુધીના લોકો ગંભીર રોગમાં સપડાઈ રહ્યા છે.ચીનમાં ઉદ્દભવેલી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે.જેના પગલે રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવા અંગેની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી.જે મોકડ્રિલમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ચીનમાં ભેદી રોગના કારણે ઉદ્દભવેલી સ્થિતિના પગલે રાજ્ય સરકારના આદેશ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી છે. હોસ્પિટલમાં આવેલા પીએસએ પ્લાન્ટને પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ માટે ખાસ પીએસએ પ્લાન્ટનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસન અને અન્ય એન્ટી વાયરલ દવાઓનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે.
પરિસ્થિતિ ગંભીર સર્જાય તેવા સંજોગોમાં વધુ વોર્ડ અને બેડની સુવિધાને પોહચી વળવા સ્ટેમસેલ બિલ્ડીંગનો ઉપયોગ કરવા માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે. હાલ હોસ્પિટલ પાસે 50% જેટલો પૂરતો સ્ટાફ છે જે બાકીનો સ્ટાફ હાલ દિવાળી વેકેશનને લઈ રજા પર ગયો છે. જે તમામ તબીબી સ્ટાફને તાત્કાલિક ધોરણે રજાઓ રદ કરી હાજર થવા માટેનું ફરમાન કરી દેવામાં આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી આપવામાં આવેલા આદેશોનું સંપૂર્ણ રીતે નવી સિવિલ હોસ્પિટલ તરફથી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.