સુરતમાં શહીદ દિનની અનોખી રીતે ઉજવણી, નિવૃત સૈનિકોના સન્માનની સાથે રત્નકલાકારોએ કર્યું રક્તદાન
સુરત, તા. 23 માર્ચ 2024 શનિવાર
સુરત હંમેશા સૈનિકો અને શહીદોના સન્માનમાં અગ્રેસર રહે છે. ત્યારે શહીદ દિવસની ઉજવણી વરાછામાં અનોખી રીતે કરવામાં આવી હતી. માતાવાડી ખાતે આવેલા રોયલ ઈમ્પેક્સમાં શહીદ દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 10 હીરાના કારખાનાના રત્નકલાકારો દ્વારા ઉત્સાહ અને હોંશભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. જેથી અંદાજે 500 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પમાં 15 જેટલા નિવૃત સૈનિકોના સન્માન કરવામાં આવ્યાં હતાં. આ તબક્કે માજી સૈનિક પ્રમુખ નરેન્દ્ર પટેલએ કહ્યું કે, વરાછા વિસ્તારમાં યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ સરાહનિય છે. શહીદ દિવસે જ સૈનિકોના સન્માન કરીને દેશના સિમાડે ફરજ બજાવનારાનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોહીની કિંમત જેને જરૂર હોય તેને જ સમજાતી હોય છે. સામાન્ય લોકોની જેમ દેશના જવાનો ઈજા થાય તો તેમને પણ જરૂર પડતી હોય છે. સુભાષ બાબુએ 'તુમ મુજે ખૂન દો..મેં તુમ્હે આઝાદી દુંગા'નો નારો આપ્યો છે. જે આ પ્રકારના કાર્યક્રમમાં ખરેખર ચરિતાર્થ થતો જોવા મળે છે.
બ્લડ ડોનેશન કેમ્પના આયોજક પૈકી જગદીશભાઈ લુખીએ કહ્યું કે, છેલ્લા 7 વર્ષથી દર શહીદ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં રક્તદાનની સાથે સાથે પ્લાઝમા ડોનેટના કાર્યક્રમ પણ કરવામાં આવ્યાં હતાં. જો કે, હાલના સમયમાં રક્તદાનની જરૂરીયાત વધુ હોવાથી રક્તદાન કરવામાં આવે છે. વળી દેશના સિમાડા સાચવતા જવાનોને પ્રેમ-લાગણી અને હૂંફ પહોંચડવા માટે રક્તદાન આજના દિવસે કરીને તેમના પ્રત્યનો આદર વ્યક્ત કરવાની કોશિષ કરવામાં આવી છે. 10 કંપનીઓ એકસાથે મળીને લગભગ 500 બોટલ યુનિટ રક્ત એકઠું થયું છે.