સુરત : વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક કરોડ રૂપિયાના ખર્ચે 50 બેડની હોસ્પિટલ શરૂ કરાશે
- સુરતમાં ચાર જગ્યાએ પાલિકાએ 50 બેડની હોસ્પિટલ શરૂ કરી છે
- હેલ્થ સેન્ટરમાં વધારાની ખુલ્લી જગ્યાએ એક્સપાન્શન કરીને હોસ્પિટલ શરૂ કરાશે
સુરત,તા.10 મે 2023,બુધવાર
સુરત પાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલા પુણામાં અઢી લાખની વસ્તી વચ્ચે પાલિકાએ હાલ જે હેલ્થ સેન્ટર છે તેનું એક્સપાન્શન કરીને હોસ્પિટલ શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે. પાલિકા નવ ઝોનમાં નવ 50 બેડની હોસ્પિટલ બનાવશે તેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં ચાર હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે અને હવે પુણા ખાતે વધુ એક હોસ્પિટલ શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
સુરત પાલિકાના ઉધના ઝોનમાં બમરોલી સીએચસી, લિંબાયત ઝોનમાં ભાઠેના સીએચસી, કતારગામ ખાતે કતારગામ સીએચસી અને રાંદેરમાં પાલ ખાતે 50 બેડની હોસ્પીટલ કાર્યરત છે. આગામી દિવસોમાં પુણા અને કોસાડ ખાતે પણ અર્બન હેલ્થ સેન્ટરને 50 બેડની હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન આજે મેયર હેમાલી બોઘાવાલા પુણાના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાતે ગયા હતા. આ જગ્યાએ 50 બેડની હોસ્પિટલ ઉભી કરવા અંગેની તજવીજ હાથ ધરી હતી. હાલ પુણા અર્બન હેલ્થ સેન્ટરમાં દૈનિક 250 જેટલા ઓ.પી.ડી. કેસો આવે છે. આ જગ્યાએ વધુ દર્દીઓ આવતાં હોય એક કરોડ રૂપિયાના ખર્ચે હેલ્થ સેન્ટરની પાસે આવેલ ખુલ્લી જમીનમાં એક્સપાક્ષન કરવાને કારણે નજીકના ભવિષ્યમાં આસપાસ વસવાટ કરતાં 2.50 લાખ લોકોને આ સ્થળે જ 50 બેડની હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ થશે.