સુરત: ઉકાઈ-કાકરાપારની નહેરમાં 15 મીટર મોટું ગાબડું પડતાં પાણીની રેલમછેલ
સુરત,તા.18 ફેબ્રુઆરી 2023,શનિવાર
સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામાં ખાતે કાંકરાપારની મોટી નહેરમાં રાત્રીના સમયે 15 મીટરનું ગાબડું પડતાં પાણી પાંચ છ દિવસ બંધ રહેવાની શક્યતા છે.
આ નહેર તૂટતાં સિંચાઇ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે. હાલ નહેરમાં પડેલું ગાબડું રિપેર કરવામાં આવી રહ્યું છે.પરંતુ આ કારણે આ નહેર છેક ભરૂચના અક્લેશ્વર સુધી જતી હોવાથી અંકલેશ્વર, હાંસોટ, સૂરત જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ થશે.
ખેતી પાકોને પાણીના મળવાથી નુકસાનની ભીતિ
આ અંગે ખેડૂત અગ્રણી દર્શન નાયકના જણાવ્યા મુજબ સમયસર પાણી નહીં મળવાના કારણે ખેડૂતોના શેરડી, ડાંગર, શાકભાજી જેવા પાકમાં ભારે નુકસાન થવાની ભિતી છે. એક બાજુ મહિનાઓ સુધી નહેર રિપેરિંગ માટે ખેડૂતોને લાંબો સમય પાણીથી વંચિત રાખવામાં આવે છે. આવી જ રીતે નહેર તૂટવાની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી અવારનવાર બનતી જ આવી રહી છે. આથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ક્યારે મળવાનું શરૂ થશે? એ પણ નક્કી નથી?
નહેર તૂટતાં ઝડપથી રિપેર કરવામાં આવશે
નહેર તૂટતાં સિંચાઇ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જે જગ્યાએ નહેર તૂટી છે. તે જગ્યાએથી આજુબાજુમાં પાણી વહી રહ્યું છે પરંતુ આ કારણે ખેતરો પાણી નહીં જતા નુકસાન થયું નથી.નહેર ઝડપથી રિપેર કરી દેવાશે.