રિક્ષા ચાલકનો પુત્ર સુમિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યમાં ત્રીજા ક્રમે
Surat News : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યમાંથી ઘણા બાળકોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેમજ આવી અવનવી બાહ્ય પરીક્ષાઓથી પરિચિત થાય અને તેઓ પોતાનું મૂલ્ય આંકી શકે તેમજ રાજ્ય સરકાર તરફથી બાળકોને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય એ માટેનો હતો.
જેમાં શ્રીમતી એલ.પી.ડી પટેલ સાર્વજનિક વિદ્યાલય પુણાગામની શાળામાંથી ઘણા બાળકોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની મેરીટ યાદી બહાર પડતાં શાળાનો વિદ્યાર્થી ગારોલે સુમિત સંજયભાઈ કે જેમણે પ્રાથમિક શિક્ષણ શ્રીમતી એલ.સી.એન પટેલ પ્રાથમિક શાળા પુણાગામમાંથી મેળવ્યું હતું. જેમની માતા સુનિતાબેન જેઓ પોતે મજૂરી કામ અને પિતા સંજયભાઈ જેઓ રિક્ષા ચાલકનું કાર્ય કરે છે અને ભાડાના મકાનમાં રહી પોતાનું ગુજરાત ચલાવે છે. પુત્ર સુમિતે વગર ટ્યુશને અને મોટી બહેન દર્શનાની મદદ લઇ પોતાની મહેનત થકી આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી પોતાના પરિવારનું તેમજ શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. આ વિદ્યાર્થીનું 5મી સપ્ટેમ્બરે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. આવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સ્કૂલ સંચાલકો અને શાળા પરિવાર સુમિતને અભિનંદન પાઠવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.