સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી કેલેન્ડરની તારીખને બદલે તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવશે

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી કેલેન્ડરની તારીખને બદલે તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવશે 1 - image


સુરતની પ્રાથમિક શાળા શિક્ષણ સાથે વૈદિક સંસ્કૃતિનો પણ સંગમ 

પાલપોરની શાળામાં સોફ્ટવેરની મદદથી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જન્મ તારીખના આધારે તેમની જન્મની તિથિ જાણવાનું શીખવવામાં આવ્યું 

સુરત, તા. 04 માર્ચ 2024 સોમવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ રચનાત્મક કરવા માટે જાણીતી છે. જેમાં હાલમાં રાંદેર ઝોનમાં એક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અપાતા અક્ષર જ્ઞાન સાથે સાથે વૈદિક સંસ્કૃતિનો પણ સંગમ કરવાનો પ્રયાસ કર્યો છે. પાલનપોર વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી કેલેન્ડર ની તારીખ ને બદલે તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે સોફ્ટવેરની મદદથી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જન્મ તારીખના આધારે તેમની જન્મની તિથિ જાણવાનું શીખવવામાં આવ્યું છે અને કઈ રીતે તે યાદ કરી શકાય તેના પણ પાઠ ભણાવવામાં આવ્યા છે. 

સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી કેલેન્ડરની તારીખને બદલે તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવશે 2 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો આમ તો નબળા શિક્ષણ માટે વિવાદમાં આવી રહી છે. પરંતુ કેટલીક સ્કૂલો નવતર પ્રયોગ થી વિદ્યાર્થીઓને અનેરુ શિક્ષણ આપવા માટે જાણીતી બની રહી છે. તેમાં એક સ્કૂલ છે રાંદેર ઝોનમાં પાલનપુર વિસ્તારમાં આવેલી કવિ શ્રી ઉશનસ શાળા ક્રમાંક 318 પ્રાથમિક શાળા છે. આ શાળાના શિક્ષણના કારણે ખાનગી સ્કુલમાંથી વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. 


સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી કેલેન્ડરની તારીખને બદલે તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવશે 3 - image

આ સ્કૂલમાં આ વખતે નવતર પ્રયોગમાં અક્ષરજ્ઞાન સાથે સાથે વૈદિક સંસ્કૃતિનો પણ સંગમ  કરવામા આવ્યો છે. આ શાળાના વિદ્યાર્થીઓ હવે આગામી દિવસો થી પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.   

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ખ્રિસ્તી વર્ષના તારીખ મુજબ ઉજવાતા હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિને પ્રાધાન્ય આપવા, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારવા અને 21મી સદીમાં ડગ મુકતા બાળકો પણ ભારતીય સંસ્કૃતિ થી અવગત થાય અને આપણી વૈદિક સંસ્કૃતિ કેટલી જૂની અને મહત્વપૂર્ણ છે તેનું જ્ઞાન મેળવી તેના માટે શાળાની અંદર બાળકોનો જન્મદિવસ તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથિ પ્રમાણે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

આ પ્રયોગ માટે  શાળામાં અવારનવાર આવી બાળકોને આધ્યાત્મિક અને અન્ય  પુસ્તકો વાંચવા માટે આપનાર ચેતનભાઇ સુશીલભાઈ જોશી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને આ નવતર પ્રયોગ માં કમ્પ્યુટર સોફટવેરની મદદથી ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતા તમામ બાળકોના જન્મ તારીખના આધારે તેમની જન્મની તિથિ નક્કી કરી તેની એક પ્રિન્ટ આઉટ લઈ દરેક બાળકોને આજે આપવામાં આવી છે.  આ સાથે શાળાના બાળકોને કહેવામાં આવ્યું કે તમારે પણ તમારા જન્મની તારીખની સાથે જન્મની તિથિ પણ યાદ રાખવાની છે અને આપણે હવે પછી શાળાની અંદર બાળકોનો જન્મદિવસ તિથિ મુજબ ઉજવીશું આમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

શાળાના બાળકોએ કંઈક નવું બાળકોને જાણવા અને સમજવા મળ્યું બાળકોને પૂછતા એ જાણવા મળ્યું કે કોઈ પણ બાળકને પોતાના જન્મની તિથિ ખ્યાલ ન હતી. આમ આજે પોતાના જન્મ તારીખ મુજબની તિથિ ની જાણકારી મેળવી બાળકો પણ ખૂબ ઉત્સાહિત અને રોમાંચિત  થઈ ગયાં છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજય ઝાંઝરૂકિયા અને શિક્ષક મિતલબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.


Google NewsGoogle News