Get The App

દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબગ્રોન ડાયમંડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબગ્રોન ડાયમંડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી 1 - image


- ભારત અને ચીનની મોનોપોલી તૂટવાની શક્યતા

- કોઈપણ પ્રકારના બીજ કણો વિના ઝડપી સિન્થેટિક ડાયમંડ પ્રોડકશનની ટેકનોલોજીથી સસ્તું અને મોટા જથ્થામા ઉત્પાદન શક્ય બન્યું

સુરત : ડાયમંડ નગરી તરીકે ઉપનામ મેળવી ચુકેલા સુરતના સોલીટેર દુનિયાભરમાં જાણીતા છે. રીઅલ ડાયમંડની સાથોસાથ સિન્થેટીક ડાયમંડ કહો કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત જગવિખ્યાત બની ચુક્યું છે. તાજેતરમાં લેબગ્રોન ડાયમંડના ભાવમાં ૩૭ ટકા સુધીનો ઘટાડો કરવા લેવાયેલા નિર્ણય બાદ દેશભરના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને વધુ એક આંચકો લાગ્યો છે. કોરીયાએ માત્ર ૧૫ મિનિટમાં જ લેબગ્રોન ડાયમંડનું નિર્માણ કરતી ટેકનોલોજી વિકાસાવી છે. કોરીયાએ ડેવલપ કરેલી અદ્યતન ટેકનોલોજીથી વૈશ્વિક ફલક ઉપર લેબગ્રોન ડાયમંડના બિઝનેઝમાં ભારતની મોનોપોલી સામે જોખમ ઊભું થયું છે.

કોરિયાએ કોઈપણ પ્રકારના બીજ કણો વિના ઝડપથી સિન્થેટીક ડાયમંડ તૈયાર કરતી નવિનત્તમ ટેકનોલોજી વિકસાવી છે. હીરાના ઉત્પાદન માટે તેમની આ સુપરફાસ્ટ પધ્ધતિથી સુરત સહતિ સમગ્ર ભારતભરમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના ભાવ તૂટવનો ભય ઉપસ્થિત થયો છે. કોરીયા દ્વારા માત્ર ૧૫ મિનિટના ટૂંકાગાળામાં લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવી રહ્યાં હોય ભારતની સાથોસાથ ચાઈનાથી થતાં એક્સપોર્ટ ઉપર પણ પ્રતિકુળ અસર જોવા મળશે. ભારત અને ચીન બંને દેશોનું માર્કેટ કહો કે મોનોપોલી તૂટશે તેવી ફડક ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરીયા દ્વારા પ્રાંરભિક તબક્કે અઢી કલાકમાં લેબગ્રોન ડાયમંડ તૈયાર થતો હતો.

વધુમાં, લેબોરેટરીમાં હીરા તૈયાર કરવાની પદ્ધિત સમય માંગી લેતી પ્રક્રિયા છે. 'ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન' આધારિત પદ્ધતિથી હીરાને તૈયાર કરવામાં અંદાજિત ૧૨ દિવસ જેટલો લાગે છે. દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામને ગત વર્ષે બજેટમાં ભારતમાં હીરાના ઉત્પાદનને વેગ આપવા લેબોરેટરીમાં તૈયાર થતાં હીરા માટેના 'બીજ' માટે કસ્ટમ ડયુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે હવે એલજીડીમાં સંશોધન માટે ઈન્ડિયા સેન્ટર ફોર લેબ ગ્રોન ડાયમંડ્સની સ્થાપના કરવા માટે આઈઆઈટી મદ્રાસને ૨૪૨ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે. સિન્થેટિક ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા ભારત સરકારે લીધેલા પ્રોત્સાહક પગલાં અને નિર્ણયો વચ્ચે કોરીયાએ કરેલા નવા આવિષ્કારથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ લેવલે ભારતના લેબગ્રોન ડાયમંડ માર્કેટને મોટો ફટકો પડવાના અણસાર વર્તાઈ રહ્યાં છે.

કોરિયન વૈજ્ઞાનિકોએ આ રીતે લેબમાં હીરા બનાવ્યા

 કોરિયાની ઉલ્સાન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ૧૫ વૈજ્ઞાનિકોના એક જૂથે ઝડપથી લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા સૌપ્રથમ ગ્રેફાઇટ ક્સિબલમાં મૂકીને ગેલિયમ, આયર્ન, નિકલ અને સિલિકોનનું કોકટેલ બનાવ્યું. ત્યારબાદ તેને ૧,૧૭૫ સેન્ટીગ્રેડ પર મિથેન પમ્પ કર્યું. તળિયે હીરાની રચના થયા પછી પ્રવાહી ધાતુ મજબૂત થઈ ગઈ હતી. એ પછી તેઓએ એક અલગ મિથેનનો ઉપયોગ કર્યો. 13 CH 4 જ્યાં કાર્બનનો અણુ કાર્બનના આઇસોટોપનો છે અને તેઓએ જોયું કે હીરા વધુ શુદ્ધ છે. વૈજ્ઞાનિકોની ટીમે શોધી કાઢયું કે હીરા કેન્દ્રમાં ન્યુક્લિએટ થાય છે અને વધે છે. તેમને નોંધ્યું કે, 'તાપમાન ઢાળ' (થોડું ઓછું તાપમાન) હતું. કાર્બન પરમાણુ સ્થળ પર ધસી ગયા. એકબીજા પર ઢગલા થયા અને એક માળખું તૈયાર થયું જેને આપણે લેબ હીરા તરીકે જાણીએ છીએ. આ પદ્ધતિથી  વિવિધ સમયમાં તેઓએ જોયું કે હીરા ૧૦ મિનિટ અને ૧૫ મિનિટની વચ્ચે બનવાનું શરૂ થાય છે (HPTP પદ્ધતિ દ્વારા ૧૨ દિવસની સરખામણીમાં) હીરા સમય સાથે વધતા રહે છે પરંતુ લગભગ ૧૫૦ મિનિટે વધતા બંધ થઈ જાય છે. આ પદ્ધતિ એક પાથ-બ્રેકિંગ શોધ છે.

સુરતમાં એક દાયકામાં લેબગ્રોન ડાયમંડનો અંદાજિત 60,000 કરોડનો બિઝનેસ થયો

લેબ ગ્રોન ડાયમંડ સુરતની સાથે ભારતભરમાં ઝડપથી વિકસતો ઉદ્યોગ બની ચૂક્યો છે. 

ભારત સરકારની વિશેષ છૂટછાટ વચ્ચે સુરતથી ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત ૬૦,૦૦૦ કરોડનો લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ડાયમંડ જવેલરીમાં  સિન્થેટીક ડાયમંડનો વપરાશ વધ્યો છે. આ ડાયમંડ મોટાભાગે ભારત અને ચાઈનાથી એક્સપોર્ટ થઈ રહ્યાં છે. સુરતમાં એસઇઝેડમાંથી મોટાપાયે ડાયમંડની નિકાસ થઈ છે.  જોકે, હવે કોરિયાની અદ્યતન ટેકનોલોજીએ કરેલા આવિષ્કારથી ભારતની ઈન્ડસ્ટ્રી માટે મોટો પડકાર ઉભો થયો છે.


Google NewsGoogle News