સુરતમાં પણ શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ : અઠવાલાઇન્સની શાળામાં ગેરહાજર શિક્ષકનું બીજા કોઈએ રજા ફોર્મ ભરી દીધું
Image : Filephoto
Surat Ghost Teacher : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત રાજ્યની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયની ગેરહાજરીનો વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ બહાર આવ્યું છે. સમિતિની અઠવાલાઇન્સની એક શાળામાં શિક્ષક ગેરહાજર અને તેમની ગેરહાજરીમાં અન્ય શિક્ષકે રજાનું ફોર્મ ભરી સહી પણ કરી દીધી. એટલું જ નહી પરંતુ એક શિક્ષકની રજાના ત્રણ અલગ-અલગ કારણ દર્શાવતા આ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 6 શ્રી વિશ્વેશ્વરૈયા શાળા તરીકે ઓળખાઈ છે. આ શાળામાં વિનોદ ટીંગલે નામના શિક્ષક છે. સવારની પાળીમાં આ શિક્ષક ગેરહાજર હતા તેમ છતાં તેમની ગેરહાજરી પુરાઈ ન હતી અને તેમના નામે અન્ય શિક્ષકે અડધી રજાનું ફોર્મ ભરી દીધું હતું. અન્ય શિક્ષકોની હાજરી સવારે જ પુરી દેવામાં આવી હતી. જ્યારે આ શિક્ષકોની હાજરી 11 વાગ્યે પુરાશે તેવો પોકળ ખુલાસો આચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
અગત્યની વાત એ છે કે આ શિક્ષકની રજાના એક નહી પરંતુ ત્રણ અલગ-અલગ કારણ બહાર આવ્યા છે. તેના કારણે મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શક્યતા નકારી શકાતી નથી. રજાની મંજુરી માટે ફોર્મ ભરાયું તેમાં ધાર્મિક કારણ લખેલું હતું જ્યારે બીજી તરફ મરણનું કારણ હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. જો કોઈ સંબંધીનું રાત્રે મરણ થયું હોય તો આગલા દિવસે રજાના ફોર્મ કઈ રીતે ભરી શકાય? તે પ્રશ્ન ઊભો થયો હતો. જોકે, અન્ય એક શિક્ષકે તેમનું રજાનું ફોર્મ ભરીને તેમની સહી પણ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. તેના કારણે શિક્ષકોની હાજરી મુદ્દે મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.