સુરતના પાલ-ઉમરા બ્રિજમાં હવે સોઈંલ ટેસ્ટીંગની કામગીરી શરૂ
- નડતરરૂપ મિલ્કત દુર કરવાની કામગીરી હજી દુર છતાં
- લાંબા સમયથી કોર્ટનો આદેશ છતાં હજી પણ મિલ્કતને ડિમોલીશન કરવાની કામગીરી શરૂ નથી થઈ, બ્રિજ વિભાગે કામગીરી શરૂ કરી
સુરત, તા. 1 ઓક્ટોબર 2020 ગુરૂવાર
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર પાલ ઉમરા વચ્ચે પાંચ વર્ષ પહલા શરૂ થયેલા બ્રિજ બનાવવાની કામગીરી હજી પણ પુરી નથી થઈ. આ બ્રિજને ઉમરા તરફના એપ્રોચમાં આવતી મિલ્કત દુર થઈ ન હોવાથી હજી પણ આ કામગીરી ઘોંચમાં પડી છે.
બ્રિજના એપ્રોચમાં આવતી મિલ્કત મુદ્દે કોર્ટમાં સમાધાન થયાં છતાં હજી પણ મિલ્કત દુર થઈ નથી. તો બીજી તરફ આ બ્રિજ બનાવવા માટે શાસકોએ આદેશ આપ્યો હોવાથી બ્રિજ વિભાગે મિલ્કતના ડિમોલીશનની કામગીરી બાજુએ મુકીને બાજુની જગ્યામાં કામગીરી આજથી શરૂ કરી દીધી છે.
તાપી નદી પર પાલ અને ઉમરા બ્રિજ વચ્ચે ઉમરાની કેટલીક મિલ્કતો મુદ્દે વિવાદ ઉભો થતાં મિલ્કતદારો કોર્ટમાં ગયાં હતા. થોડા મહિનાઓ પહેલા મ્યુનિ. તંત્ર અને અસરગ્રસ્તો વચ્ચે કોર્ટમાં સમાધાન થયું હતું.
આ સમાધાન બાદ મિલ્કતદારોની મિલ્કતનું ડિમોલીશન કરવાનું હતું પરંતુ કોરોના- લોક ડાઉનના કારણે કામગીરી બંધ રહી હતી હજી પણ મિલ્કતદારોએ ડિમોલીશન નહી કરતાં બ્રિજની કામગીરી અટકી પડી છે.
2015માં શરૂ થયેલા બ્રિજની કામગીરી હાલ 91 ટકા પુરી થઈ છે પરંતુ હજી પણ 9 ટકા કામગીરી બાકી છે. શાસકોએ તાત્કાલિક પાલ ઉમરા બ્રિજને ઝડપભેર પુરો કરવા માટેની સુચના આપી દીધી છે.
અસરગ્રસ્ત મકાનો માટે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. આ કામગીરીમાં સમય લાગે તે પહેલાં જ આજે બ્રિજ વિભાગે બ્રિજની કામગીરી બાકી હતી ત્યાં સોઈલ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરી દીધી છે.
બ્રિજ વિભાગ મિલ્કત સિવાયના ભાગમાં કામગીરી કરશે અને ત્યાર બાદ મિલ્કતનું ડિમોલીશન થશે ત્યારે બાકીના એપ્રોચની કામગીરી પુરી કરશે. બ્રિજ વિભાગે કામગીરી શરૂ કરી છે પરંતુ કોર્ટમાં સમાધાન બાદ મિલ્કતદારો હજી મ્યુનિ. સમક્ષ આવ્યા ન હોવાથી હવે આ કામગીરી મ્યુનિ. તંત્રે તાત્કાલિક પુરી કરીને બ્રિજના એપ્રોચને ખુલ્લો કરી આપવાનો રહેશે.