સુરતમાં સ્માર્ટ મીટર નહી લગાવવા માટે વીજ કંપની નહી પણ સોસાયટીઓએ કોર્પોરેટરોને પત્ર લખવાનું શરુ કર્યું
Smart Meter Controversy Surat : સુરતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ વધી રહ્યો છે. આ મુદ્દે હવે સુરત પાલિકાના વિપક્ષે આ મુદ્દે શાસક પક્ષના કોર્પોરેટરોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પુણા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓના પ્રમુખોએ સ્માર્ટ મીટર અંગે કોર્પોરેટરોને પત્ર લખી તેની નકલ વીજ કંપનીના ઈજનેરને મોકલવાનું શરુ કર્યું છે. પુણા બાદ અન્ય વિસ્તારોમાં પણ આવો ટ્રેન્ડ શરુ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર સામે લોકોના વિરોધ બાદ કોંગ્રેસે લોકો સાથે મળીને સ્માર્ટ મીટરનો વિરોધ કરવાનું શરુ કર્યું છે ત્યાર બાદ હવે પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીએ પણ આ વિરોધમાં ઝંપલાવ્યા બાદ સ્માર્ટ મીટર વિરોધમાં સ્માર્ટ રાજકારણની એન્ટ્રી થઈ છે. વીજ કંપની મીટર નાખી રહી છે તેનો વિરોધ લોકો વીજ કંપની સામે કરી રહ્યાં છે પરંતુ આ મુદ્દે વિરોધ કરવામાં આપ જોડાયા બાદ હવે વીજ મીટર અમારા ઘરોમાં જોઈતું નથી તેવા પ્રકારની અરજી વીજ કંપનીને સીધી આપવાના બદલે પુણા વિસ્તારમાં સોસાયટીઓના રહીશો પાસે સ્થાનિક કોર્પોરેટરોને આપવામાં આવી રહી છે. પુણા વિસ્તારમાં આપના કોર્પોરેટર છે અને તેઓ મીટરનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ શહેરમાં 100 કોર્પોરેટરો ભાજપના છે તેઓને મીટરના નામે ભીંસમાં લેવાનો સ્માર્ટ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
પુણાની જેમ જ શહેરના અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો લોકો વિરોધ થઈ રહ્યો છે આ લોકો સીધા વીજ કંપનીને મીટર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. પરંતુ પુણામાં જે રીતે સોસાયટીના લોકો કોર્પોરેટરોને સ્માર્ટ મીટર નહી લગાવવા માટે અરજી આપી રહ્યાં છે અને તેની નકલ વીજ કંપનીને આપી રહ્યાં છે તેવો ટ્રેન્ડ શરુ થાય તો લોકો અને સ્થાનિક કોર્પોરેટરો સામ સામે આવી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સ્માર્ટ મીટરના નામે વિપક્ષે સ્માર્ટ વિરોધ તો શરુ કર્યો છે પરંતુ તેની અસર હવે અન્ય વિસ્તારોમાં કઈ રીતે પડે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.