વરસાદના કારણે બેહાલ સુરતીઓની વ્હારે આવી સામાજિક સંસ્થાઓ : ઘરવિહોણા અને ગરીબો માટે કરી નાસ્તા-ભોજનની સગવડ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
વરસાદના કારણે બેહાલ સુરતીઓની વ્હારે આવી સામાજિક સંસ્થાઓ : ઘરવિહોણા અને ગરીબો માટે કરી નાસ્તા-ભોજનની સગવડ 1 - image


Heavy Rain in Surat : છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સુરતીઓને ધમરોળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારમાં પાણીના ભરાવા સાથે અનેક મુશ્કેલી પડી રહી છે. જે લોકો પાકા ઘરમાં રહે છે તેવા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે ઘર વિહોણા કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે. પાલિકા અને સરકારી તંત્ર કામગીરી કરે તે પહેલાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ સામાજિક જવાબદારી નિભાવીને દવા, છાસ, નાસ્તો અને ભોજન સાથે ગરીબ-શ્રમજીવીના સ્થળો પર પહોંચીને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. 

સુરતમાં વરસાદ સાથે જ મોજીલા સુરતીઓ ખાણીપીણી માટે વરસાદમાં પણ નિકળી પડતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં પડી રહેલા દે માર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર થયો છે. આવી સ્થિતિમા પણ કેટલાક લોકો સવારથી જ મોજમજા માટે બહાર નીકળી પડતા હોય છે. જ્યારે શહેરમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પોતાના સ્વયંસેવકો સાથે વરસાદમાં લાચાર બનેલા ગરીબો અને શ્રમજીવીઓની વ્હારે પહોંચી ગયાં હતા. 

વરસાદના કારણે બેહાલ સુરતીઓની વ્હારે આવી સામાજિક સંસ્થાઓ : ઘરવિહોણા અને ગરીબો માટે કરી નાસ્તા-ભોજનની સગવડ 2 - image

સુરતમાં જીવદયાની કામગીરી કરતી કરૂણા સંસ્થાના યુવાનો શ્રમિક વર્ગ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચા, પૌવા તેમજ દવા લઈને નીકળ્યા હતા. રાત્રીના સમયે જેમની પાસે વરસાદથી બચવા કોઈ સગવડ ન હોય તેઓ માટે મોટી પ્લાસ્ટિકની થેલીનો જાતે બનાવેલો રેઇનકોટ પણ આપવામાં આવ્યા હતા. ઘર વિહોણા કે સ્લમમાં રહેતા લોકોને આવા વરસાદમાં સેવા મળતાં તેઓના મોઢા પર રાહત જોવા મળી હતી. 

સુરતમાં 365 દિવસ સેવાની કામગીરી કરતી હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભારે વરસાદમાં પણ પોતાની સેવાની કામગીરી ચાલુ રાખી હતી. સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશ ગાંધી દ્વારા આટલા ભારે વરસાદમાં પણ ગરીબો માટે પાકુ ભોજન બનાવીને પાણીમાંથી પસાર થઈ શકે તેવા વાહનોમાં ભોજન લઈને સંસ્થાના સ્વયંસેવક સાથે નિકળી પડ્યા હતા. શહેરમાં ઘર વિહોણા કે બિલ્ડિંગ સાઇટ પર રહેતા શ્રમજીવીઓ અને તેમના બાળકોને પાકુ ભોજન જમાડ્યું હતું. કેટલીક સાઈટ તો એવી હતી કે જ્યાં પાણીનો ભરાવો થયો હતો અને શ્રમજીવીઓ ભોજન પણ બનાવી ન શકે તેવી હાલત હતી. આવા સમયે શ્રમજીવી પરિવારોને સંસ્થા દ્વારા આખી થાળીમાં પાકુ ભોજન આપી તેમની મુશ્કેલીનો અંત આણ્યો હતો. આ ઉપરાંત શ્રમજીવીઓના બાળકોને જરૂરિયાત મુજબની સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News