લોકો હેરાન ન થાય તે માટે સુરત પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીને શાસકો સરપ્રાઈઝ ચેકિંગ કરશે
Surat Pre-Monsoon Work : સુરતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પાલિકાના શાસકોએ જ સવાલ ઉઠાવ્યા છે. પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી તો કરી છે પરંતુ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી થી શાસકોને સંતોષ નથી. પાલિકા તંત્ર સાથે થયેલી બેઠકમાં વરસાદી જાળીયાની સફાઈ કામગીરી 70 ટકા પૂરી થઈ ગઈ હોવાના દાવા સામે સ્થાયી સમિતિ અધ્યક્ષે સ્થળ પર હાલત જુદી છે અનેક જગ્યાએ કામગીરી બાકી હોવાનું કહ્યું હતું.
આ ઉપરાંત પાલિકાની કામગીરીની ચકાસણી સાથે લોકો હેરાન ન થાય તે માટે પાલિકાની પ્રિમોન્સુન કામગીરીને શાસકો સરપ્રાઈઝ ચેકિંગ કરાશે તેવું મેયરે જણાવ્યું હતું. સુરતમાં ચોમાસા પહેલાની કામગીરી માટે પાલિકા તંત્ર અને શાસકો સામ સામે આવી જાય તેવી શક્યતા છે. પ્રિમોન્સુન કામગીરી પાલિકાએ કરી છે પરંતુ હજુ અનેક ક્ષતિ છે તેવી ફરિયાદ લોકો સાથે વિપક્ષ પણ કરી રહ્યાં છે. આ ફરિયાદ બાદ પાલિકાના ભાજપ શાસકોએ પણ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં અનેક છીંડા જોવા મળ્યા હતા તેનો પડઘો ગઈકાલની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા બેઠકમાં સાંભળવા મળ્યો હતો.
પાલિકા તંત્રએ ખાડીની સફાઇ સાથે વરસાદી ગટરના જાળીયાની સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. વરસાદી ગટરના જાળીયાની સફાઈ 70 ટકા પુરી થઈ હોવાનો દાવો કરવામા આવ્યો છે તેની સામે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે શંકા વ્યક્ત કરી હતી. રાજન પટેલે અધિકારીઓની કામગીરીનો ઉઘડો લીધો હતો અને કહ્યું હતું તમે 70 ટકા કામગીરીનો દાવો કરવામા આવે છે પરંતુ હું તમને 10 સ્પોટ એવા હાલ જ બતાવી શકું છું કે જેમાં કોઈ કામગીરી થઈ નથી. આ ઉપરાંત આ બેઠકમાં મેયર દક્ષેશ માવાણીએ પણ કહ્યું હતું કે, આ કામગીરી યોગ્ય થઈ છે કે નહીં તે માટે આગામી મંગળવારે પદાધિકારીઓ સાથે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.