સુરત પાલિકામાં શાસકો બાદ હવે વિપક્ષે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા માટે બેઠકની માગણી કરી
Surat Corporation News : સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે પરંતુ શાસકો તેનાથી સંતુષ્ટ નથી તેવો સુરત સમીક્ષા બેઠકમાં બહાર આવ્યો હતો. શાસકોએ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કર્યા બાદ સુરત પાલિકાના વિપક્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા માટે બેઠકની માગણી કરી છે.
પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન સુરતના અનેક ભાગોમાં ઠેર-ઠેર પાણીના ભરાવાની ફરિયાદ, મચ્છર અને પાણીજન્ય રોગચાળાની ફરિયાદો તેમજ બીજી ઘણી નાની-મોટી ફરિયાદ આવે છે. દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે. ચોમાસા પહેલા સબ સલામતીના બણગાં ફૂંકતી પાલિકા ચોમાસા દરમિયાન લાચાર અવસ્થામાં આવી જતી જોવા મળે છે. આવી સ્થિતિ આ વર્ષે પણ ન થાય તે માટે પાલિકાના વિપક્ષના તમામ કોર્પોરેટરો લોકોને મુશ્કેલી ન પડે તે માટે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવાની જરુર છે.
પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે જવાબદાર અધિકારીઓ સાથે મ્યુનિ. કમિશ્નરે શનિવારે બપોરે 3-30 વાગ્યે જુના સ્થાયી સમિતિ હોલમાં હજાર રહેવું તેમ જણાવ્યું છે.