સુરતમાં ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ત્રણ ગેરકાયદે બાંધકામ દુર કરી 11 લાખનો દંડ વસુલાયો
- બી.આર.સી વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લાન વિરુધ્ધ થતું બાંધકામ દુર કરવા ઉધના ઝોને ટીમ ઉતારી, મંગળવારે સવારથી મોડી સાંજ સુધીમાં ડિમોલિશનની કામગીરી કરી
સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં બીઆરસી નજીકના એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ બાદ મંગળવારે ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બે બિલ્ડીંગમાં 4400 સ્કે. ફુટ ગેરકાયદે બાંધકામ સાથે એક મિલકતમાં ત્રીજા માળનું ગેરકાયદે બાંધકામ દુર કરીને ગેરકાયદે બાંધકામ કરનારા ત્રણ મિલકતદારો પાસે 11 લાખ રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે ઉધના ઝોને ગઈકાલે સવારથી મોડી સાંજ સુધીમાં ડિમોલિશનની કામગીરી કરી હતી.
સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉધના મેઇન રોડ પર બી.આર.સી નજીકના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી આવી છે. આ સોસાયટીમાં મિલકતદારોએ પ્લાન મંજૂર કરાવ્યા બાદ વધારાનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ અંગે ઉધના ઝોન દ્વારા ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. જોકે, મિલકતદારોએ પાલિકાની નોટિસ બાદ પણ ગેરકાયદે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું. જેના કારણે મંગળવારે સવારથી ઉધના ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.
ઉધના ઝોનમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.આઈ 114 થી 118 વાળી મિલકતમાં મિલકતદારએ મંજૂર લે-આઉટ પ્લાન વિરુધ્ધ બાંધકામ પાલિકાએ નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ જ રાખતા ગઈકાલે ઉધના ઝોન દ્વારા આશરે 2400 ચો.ફૂટ માપ જેટલું આર.સી.સી.સ્લેબનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી.
આ ઉપરાંત આજ સોસાયટીમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.1 થી 4 વાળી મિલકતમાં મિલકતદારોએ પ્લાન વિરુધ્ધ બે હજાર ચોરસ ફુટ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. પાલિકાની નોટિસ બાદ પણ આ બાંધકામ ચાલુ રહેતા પાલિકાએ બે હજાર ચોરસ ફુટ બાંધકામ દુર કરીને મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી.
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જ રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં 1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં. જી 128 થી 133 વાળી મિલકતમાં મંજૂર પ્લાન વિરુદ્ધનું ત્રીજા માળ પર સ્લેબ કરવાના ઈરાદે ઉભા કરવામાં આવેલ સેન્ટ્રીંગ-શટરીંગ સહિતના 12 કોલમનું બાંધકામ દૂર કરી મિલકતદાર પાસેથી 70,000 વહીવટી ચાર્જ, 20,000 કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ અને 10,000 ડિપોઝીટ વસુલ કરવામાં આવ્યો હતો.