સુરતના ખાણીપીણી બજારમાં શ્રાવણ મહિનામાં ફરાળી ઢોસા અને વિવિધ ફાસ્ટ ફૂડની બોલબાલા
Shravan Mass Special : શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતીઓ વધુ ધાર્મિક થાય છે અને અનેક લોકો ઉપવાસ કરતા થયાં છે. જોકે, પહેલા સુરતીઓ નકોરડા કે એક સમય ઘરનું જમીને ઉપવાસ કરતા હતા પરંતુ હવે ઉપવાસ પણ અસ્સલ સુરતી સ્ટાઈલમાં લોકો કરી રહ્યા છે. ઉપવાસ કરતા સુરતીઓ માટે હવે ફરાળી પેટીસ અને ફરાળી ચેવડો અને મોરીયો કાઢી ખીચડી જેવી વાનગીઓ હવે આઉટડેટેડ થયા ગયા છે. જેના કારણે હવે સુરતીઓ અસલ ટેસ્ટ સાથે ઉપવાસ કરી રહ્યાં છે. જેના કારણે સુરતના ખાણીપીણી બજારમાં શ્રાવણ મહિનામાં ફરાળી ઢોસા અને વિવિધ ફાસ્ટ ફૂડની બોલબાલા જોવા મળી રહી છે. તેની સાથે સાથે સુરતમાં હવે ફરાળી મન્યુરિયન ફરાળી પીઝા, ફરાળી દહીં વડા સાથે સાથે ફરાળી આલુ ટીક્કી જેવી વાનગીની પણ એન્ટ્રી થઈ ગઈ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાઉથ ઇન્ડિયન વાનગીનો ધંધો કરનારા પિષુષ માંગરોળીયા કહે છે, શ્રાવણ માસની શરૂઆત સાથે જ અમારા ધંધામાં મંદી આવી ગઈ હતી. દરમિયાન અમે ફરાળી ઢોસા બનાવવાનો વિચાર આવ્યો હતો. જેના કારણે અમે ફરાળી લોટ અને સિંઘવ મીઠુંનો ઉપયોગ કરી ઢોસા બનાવ્યા જે પ્રયોગ સફળ થયો હતો. અને તેમાં મસાલા માટે પણ બટાકાનું ફરાળી શાક અને કોપરા અને કોથમીરની ચટણી પણ ફરાળી બનાવી દીધી હતી. જેના કારણે હવે શ્રાવણ મહિનામાં પણ ફરાળી ઢોસાનો ધંધો ચાલી રહ્યો છે.
શ્રાવણ માસની શરૂઆત સાથે જ ફરસાણની દુકાનોમાં ફરાળી વાનગીની મોસમ શરૂ થઈ જાય છે. ફરસાણની દુકાનોમાં અવનવી ફરાળી વાનગીઓનો રસથાળ જોવા મળે છે. પહેલાં ફરાળી વેફર, ચેવડો અને પેટીસ જોવા મળતા હતા પરંતુ હવે યંગસ્ટર્સ પણ ઉપવાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ ફાસ્ટ ફુડની ટેવ છોડી શકતા નથી. તેના માટે પણ ફુડ બજારમાં ફરાળી ઢોસા, ફરાળી મન્યુરિયન ફરાળી પીઝા, ફરાળી દહીં વડા સાથે સાથે ફરાળી આલુ ટીક્કી જેવી વાનગીની એન્ટ્રી થઈ છે. તો કેટલાક સુરતીઓ શ્રાવણ માસમાં પણ અસલ સુરતી ટેસ્ટનો આગ્રહ રાખતા હોય કેટલીક ફરસાણની દુકાનોમાં ફરાળી ઉંધીયુ અને રતાળુની ફરાળી કટલેસની પણ વેચાણ થઈ રહ્યું છે.
આટલું જ નહી પરંતુ ભુખા રહ્યા વિના ઉપવાસ કરનારા માટે ફરાળી થાળીનો પણ વિકલ્પ બની રહ્યો છે. સુરતના અનેક વિસ્તારમાં હવે ફરાળી થાળી પણ મળતી થઈ છે. તેમાં મોરીયો, કઢી, સાથે સાથે બટાકા સુરણનું શાક, એક સ્વીટ, રાજગરાની પુરી, સુરણની ચીપ્સ, ફરાળી ઢોકળા-ખમણ, શક્કરિયાનો શીરો, ફરાળી પેટીસ, આટલું જ નહી પરંતુ હાલમાં ફરાળી વાનગીમાં પંજાબી શાકની પણ એન્ટ્રી થઈ છે. ટામેટાની ગ્રેવી સાથે પનીરના ટુકડા કરીને પણ ફરાળી પંજાબી શાક પીરસવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં ફરાળી વાનગીનું વેચાણ કરતી લારીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ફરાળી વાનગીઓમાં દહીવળા, ફરાળી બટાકા પુરી, ફરાળી ભેળ જેવી વાનગીઓ પણ લારી અને દુકાનોમાં જોવા મળી રહી છે.