સુરત પાલિકાના અઠવા અને લિંબાયત ઝોનમાં ફાયર સેફ્ટી વિનાના શોપિંગ સેન્ટર અને ગુરુકુળ સીલ કરાયા
- ઉનાળાના કારણે આગના બનાવ શરૂ થતા ફાયર વિભાગે કામગીરી શરૂ કરી
- લિંબાયત ઝોનના રાજ એમ્પાયર, માધવ શોપીંગ સેન્ટર અને અઠવા ઝોનની સંસ્કૃત પાઠશાલા સીલ : આગામી દિવસોમાં ફાયર સેફ્ટી વિનાની અન્ય મિલ્કતો સામે પણ થશે કાર્યવાહી
Shopping centers sealed in Surat : સુરતમાં ઉનાળાની શરુઆત સાથે જ આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. આગના બનાવ સાથે પાલિકાના ફાયર વિભાગે પણ ફાયર સેફટી વિનાની મિલકત સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકાની વારંવારની તાકીદ છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન ઉભી કરનારા શોપીંગ સેન્ટર અને ગુરુકુળ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ફાયર સેફ્ટી વિનાની અન્ય મિલ્કતો સામે પણ થશે કાર્યવાહી કરવા માટે કવાયત શરુ કરી દીધી છે.
સુરતમાં 2019માં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગે આક્રમક કામગીરી શરૂ કરી હતી. પાલિકાની આ કામગીરી છતાં પણ હજી સુધી અનેક મિલ્કતોમા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઠાગા ઠૈયા થઈ રહ્યાં છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જોકે, હાલમાં ઉનાળાની ગરમી શરૂ થતા જ આગના બનાવો વધતા હવે પાલિકાના ફાયર વિભાગે સીલીંગની કામગીરી હાથ ધરી છે.
પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા મહારાણા પ્રતાપ ચોકમાં આવેલા રાજ એમ્પાયર અને દેવધ રોડ પર આવેલા માધવ શોપીંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી ન હોવાથી પાલિકાના ફાયર વિભાગે આ બન્ને મિલ્કતો સીલ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં હેમચંદ્ર ગુરુકુલમ, સંસ્કૃત પાઠશાળા જે આગમ શોપીંગ સેન્ટર વેસુ ખાતે આવી છે. આ પાઠશાળાના સંચાલકોને ઈમરજન્સી એક્ઝીટ માટે બે વખત નોટિસ આપ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે જણાવાયું હતું. પરંતુ સંચાલકો દ્વારા લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો ખુલાસો કરવામા આવ્યો ન હતો જેના કારણે આજે આ મિલ્કતો પણ સલ કરવામા આવી છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં ફાયર સેફ્ટી વિનાની અન્ય મિલ્કતો સામે પણ થશે કાર્યવાહી કરવા ફાયર વિભાગે કવાયત શરૂ કરી છે.