સુરતના સેવાભાવીઓ જરૂરિયાતમંદોની દિવાળીમાં સહભાગી બન્યા, ગરીબોની દિવાળી સુધરી
દિવાળીમાં સહાનુભૂતિનો દીવો પ્રગટાવી જરૂરિયાતમંદની દિવાળી સુધારતા સુરતીઓ
કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા તો કોઈ રસ્તે ફરતા ફેરીયા પાસે તો કોઈ શ્રમજીવી વસાહતમાં જઈ લોકોને દિવાળીના કપડા, ફટાકડા, મીઠાઈ આપી દિવાળીની સાચા અર્થમાં કરી ઉજવણી: કેટલાક લોકોએ પોતાના બાળકોમાં સેવાના ગુણ આવે તે માટે ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કર્યું
સુરત, તા. 13 નવેમ્બર 2023 સોમવાર
તહેવારની ઉજવણીમાં અવ્વલ રહેતા સુરતીઓ પોતાની સાથે સાથે જરૂરિયાતમંદોની દિવાળી પણ સુધરે તે માટેનું નિમિત બની રહ્યા છે. સુરતના સેવાભાવીઓ જરૂરિયાતમંદોની દિવાળીમાં સહભાગી બન્યા હતા જેના કારણે ગરીબ લોકોની દિવાળી સુધરી હતી.
આ દિવાળી દરમિયાન કોઈ ઝૂંપડપટ્ટીમાં ગયા તો કોઈ રસ્તે ફરતા ફેરીયા પાસે તો કોઈ શ્રમજીવી વસાહતમાં જઈ લોકોને દિવાળી ના કપડા, ફટાકડા, મીઠાઈ આપી દિવાળીની સાચા અર્થમાં કરી ઉજવણી કરી હતી. તો કેટલાક લોકોએ પોતાના બાળકોમાં સેવાના ગુણ આવે તે માટે ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કર્યું હતું.
સુરતમાં છેલ્લા આઠ વર્ષથી સેવાનું કામ કરતા જય હિંદ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની દિવાળીમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાના મિલન મહેતા કહે છે, દર વર્ષે અમે જરૂરિયાતમંદ માટે દિવાળીની સ્માઈલિંગ કીટનું પેકિંગ કરી આપીએ છીએ.
આ વર્ષે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને 1200 થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં નવા કપડા સાથે સાથે સુકો નાસ્તો, ડ્રાયફ્રુટ અને મીઠાઈનો સમાવેશ થાય છે.
આવી જ રીતે વર્ષ દરમિયાન સુરતમાં સેવાનું કામ કરતાં હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં પણ જે લોકો દિવાળી ઉજવવા સમર્થ નથી તેવા લોકોની મદદ કરવામાં આવી રહી છે. સંસ્થાના જીજ્ઞેશ ગાંધી કહે છે, આ વર્ષે સ્લમ વિસ્તારના બાળકોને અમે કપડાનુ વેચાણ થાય છે ત્યાં લઈ ગયા હતા અને તેમના માપના કપડા અપાવ્યા હતા.
આ ઉપરાંત આ પરિવારોને મીઠાઈ, દીવા સાથે ફટાકડા પણ આપવામાં આવ્યા છે. આ બાળકો માટે જે ખરીદી કરી હતી તે ખરીદી લોકલ ફોર વોકલ ને અનુલક્ષીને કરવામાં આવી હતી જેના કારણે એક પરિવારને તહેવારની ઉજવણીની સામગ્રી આપી જ્યારે અન્ય પરિવાર વસ્તુ બનાવી વેચાણ કરે છે તેમના ધંધા ની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેટલાક પરિવાર દ્વારા તેમના બાળકોમાં દયા અને સેવાના ગુણ ઉભરે તે માટે દિવાળીના તહેવારોમાં ફટાકડા અને ચોકલેટ જેવી વસ્તુનું વિતરણ ફુટપાથ પર રહેતા લોકોને કરાવડાવ્યું હતું. તેમના બાળકો હજી નાના છે અને તેઓમાં દયા અને કરુણા સાથે દાન કરવાની વૃત્તિ આવે તે માટે ફટાકડા અને ચોકલેટની ખરીદી કરી હતી અને બાળકો પાસે જ તેનું વિતરણ ગરીબોમાં કરાવડાવ્યું હતું.
આમ સુરતની કેટલીક સંસ્થાઓ અને પરિવાર દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને દિવાળી પહેલાં વિના મુલ્યે દિવાળીની ખરીદી કરાવવા સાથે તેમનામાં વિતરણ કરાવ્યું તેના કારણે ગરીબ લોકોની દિવાળીની ઉજવણી શક્ય બની હતી.