સુરત પાલિકા, પોલીસ અને મેટ્રોની ગંભીર બેદરકારી સુરતીઓ માટે ઘાતક : રસ્તાઓ પર દબાણ કરનારાઓનો કબજો
Surat Corporation News : સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે અનેક સમસ્યા થઈ રહી છે. જોકે, શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા જુના આરટીઓ- કૃષિમંગલ હોલ રોડ પર સુરત પાલિકા પોલીસ અને મેટ્રોની ગંભીર બેદરકારી સુરતીઓ માટે ટ્રાફિક સમસ્યા વધારવા સાથે સુરતીઓ માટે ઘાતક પણ બની રહી છે. મેટ્રોની કામગીરીને કારણે રસ્તો સાંકડો છે તો બીજી તરફ રોડ પર જ દબાણ કરનારાઓ બેસે છે તેના કારણે પીક અવર્સમાં વાહન ચાલકની હાલત કફોડી બની રહી છે. પાલિકા-પોલીસ આવી સમસ્યા સામે મુક પ્રેક્ષક બની રહી હોવાથી મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત મહાનગર કરોડો રૂપિયા ખર્ચીને લોકોના વાહન ચલાવવા અને સલામત રીતે લોકો પગપાળા જાય તે માટે રોડ અને ફુટપાથ બનાવે છે આવી જગ્યાએ ગેરકાયદે દબાણ સુરતીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ગેરકાયદે દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે આવી સ્થિતિમાં પણ પાલિકા કે પોલીસ ગેરકાયદે દબાણ ડામી શકતી ન હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે.
સુરત મ્યુનિ.ના અન્ય વિસ્તાર સાથે મજુરાગેટ થી ગાંધી કોલેજ અને જુની આરટીઓ થી મજુરાગેટ સુધીના બંને તરફના રોડ પર માથાભારે તત્વો દ્વારા દબાણ કરવામાં આવે છે. આ જગ્યાએ હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે અને મહાવિર હોસ્પિટલ થી મજુરાગેટ સુધીના રોડ પર પાથરણાવાળાઓ બેસી જાય છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. પીક અવર્સમાં પણ પાથરણાવાળાઓ રોડ પર બેસતા હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે. જ્યારે બીજી તરફ રોડની બંને તરફ ફુટપાથ પર પણ માથાભારે ગેરકાયદે દબાણ કરનારાઓએ કબ્જો કરી દીધો હોય પગપાળા ચાલનારા લોકોએ પણ રોડ પર ચાલવું પડે છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે.
આ સમસ્યા દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ શૂન્ય છે. એક તરફ આ વિસ્તારમાં દબાણના કારણે ન્યુસન્સ થઈ રહ્યું છે પાલિકા તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા નડતી હોવા સાથે પગપાળા ચાલનારા પર અકસ્માતનો ભય રહેલો છે. આવી સ્થિતિ હોવા છતાં પાલિકા અને પોલીસ તંત્ર શાહમૃગ નીતિ અપનાવતું હોવાથી સુરતીઓની મુશ્કેલી વધી રહી છે.