સુરત પાલિકાના સિટી લિંક વિભાગની ગંભીર બેદરકારી : તુટેલી રેલીંગ રિપેર નહી કરતા ગંભીર અકસ્માતની ભીતિ
Surat BRTS Route : સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર બનાવવામાં આવેલી રેલીંગ તુટી ને બે મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ રીપેર નહી કરવામાં આવતા અકસ્માતનો ભય રહેલો છે. આ ઉપરાંત બીઆરટીએસના અનેક રૂટ પરથી કેટલાક લોકો દ્વારા રેલીંગના સળીયા કાપીને ચોરી ગયા છે પરંતુ ત્યાર બાદ પણ કોઈ પગલાં નહીં ભરાતા ચોરોને મોકળું મેદાન મળ્યું છે. સળીયા કપાયા છે તેવા ગેપમાંથી લોકો અવરજવર કરતા હોય બસ અડફેટમાં આવવાની શક્યતા વધી છે. આવી અનેક ફરિયાદ છતાં પણ બીઆરટીએસ રૂટની રેલીંગ માટે કોઈ કામગીરી ન કરાતા અકસ્માતની ભીતિ સતત સેવાઈ રહી છે.
સુરતમાં સામૂહિક પરિવહન સેવા માટે સીટી બસ સાથે બીઆરટીએસ બસ સુવિધા શરૂ કરી છે પરંતુ બીઆરટીએસ સેવા સંકલન કરતી સીટી લિંક એજન્સીની નબળી કામગીરીના કારણે બસ સેવા વિવાદમાં આવી રહી છે. શહેરના રામનગર થી મોરા ભાગળના બીઆરટીએસ રૂટ પર બન્ને તરફ બીઆરટીએસ રૂટની રેલીંગ બે મહિના કરતાં વધુ સમયથી તુટી ગઈ છે. આ રેલીંગ રિપેર કરવાના બદલે પાલિકાએ સ્ટોન મુકી દીધા છે. આ સ્ટોન મોટા વાહનની ટક્કરથી બહાર આવી જાય છે તેમાં જો કોઈ ટુ વ્હીલર અથડાય તો અકસ્માત થાય તેવી શક્યતા છે. આવી જ રીતે મોરાભાગળ થી રામનગર વચ્ચે તુટેલી રેલીંગ વચ્ચે સ્ટોન મુક્યા છે અને તુટેલી રેલીંગનો ભાગ પણ યથાવત છે. જો કોઈ વાહન ચાલક બેલેન્સ ચુકી જાય તો સીધો અણીદાર રેલીંગમા અથડાઈ અને જીવ ગુમાવી શકે તેમ છે.
આ સ્થિતિ છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી છે લોકો ફરિયાદ કરી રહ્યાં છે પરંતુ મોટો અકસ્માત થયો ન હોવાથી પાલિકા તંત્રની આંખ ખુલતી નથી. આવી જ રીતે શહેરના અનેક બીઆરટીએસ રૂટ પર જે રેલીંગ બનાવવામા આવી છે તેના સળીયા કાપીને ચોરાઈ રહ્યાં છે. સમયાંતરે અનેક જગ્યાએથી આ સળીયા કપાઈ રહ્યાં છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પાલિકા અને પોલીસ જો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને વાહન ચાલકોને દંડ ફટકારી શકે તો રેલીંગના સળીયા ચોરી લોકો માટે જોખમ ઉભુ કરતા ચોરોને પણ ઝડપી શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોને જીવનું જોખમ વધ્યું છે. જો પાલિકા તંત્ર પોતાની ભુલ સુધારે નહીં તો કોઈ વાહન ચાલકનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.