સુરતમાં વેસુ પોલીસ સ્ટેશન સામેના જોગર્સ પાકમાં સિનિયર સિટીઝન્સ દ્વારા પાલિકા સમક્ષ સફાઈની માગણી કરી
સુરત પાલિકાના વેસુના ન્યુ જોગર્સ પાર્કમાં પાળેલા કુતરાઓનો ત્રાસ : સિનિયર સિટીઝન્સ ત્રાહિમામ
સુરત,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર આવેલા સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકીના કારણે શહેરીજનોની હાલત કફોડી થઈ રહી છે. શહેરના વેસુ વિસ્તારમાં પાલિકાના જોગર્સ પાર્કમાં પાળેલા કુતરાનો ત્રાસ છે આ ઉપરાંત જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેર હોવા છતાં આ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા લોકો જોગર્સ પાર્કમાં શૌચક્રિયા કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ છે. આ જોગર્સ પાર્કનો ઉપયોગ 34 થી વધુ સિનિયર સિટીઝન્સ ભેગા થતા હોય તેઓ દ્વારા પાલિકાને આ ગંભીર ફરિયાદ કરીને આ સમસ્યા દુર કરવા માટેની માગણી કરી છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર ઇન્દોર સાથે પહેલા નંબર પર આવી ગઈ છે અને આ ક્રમ જાળવી રાખવા પાલિકા અનેક પ્રયાસ કરી રહી છે પરંતુ કેટલાક વિસ્તારમાં લોકોની હરકતોના કારણે શહેરની સ્વચ્છતા જોખમાઈ રહી છે. સુરત પાલિકાએ લાખો રુપિયના ખર્ચીને વેસુ પોલીસ સ્ટેશનની નજીક નવો જોગર્સ પાર્ક બનાવ્યો છે. આ જોગર્સ પાર્કમાં રોજ 34 સિનિયર સિટિઝનનું ગ્રુપ જોગીંગ અને કસરત કરવા માટે આવે છે.
આ સિનિયર સિટીઝન્સની ગ્રુપ આ જગ્યાએ રાષ્ટ્રીય તથા સામાજિક તહેવારની ઉજવણી કરે છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી અહીં કેટલાક લોકો પાળેલા કુતરા લઈને આવે છે અને અહી ઘણા રખડતા કુતરાઓનો પણ ત્રાસ છે. આ ઉપરાંત કેટલાક લોકો અહી ગંદકી કરી રહ્યાં છે અને પાલિકા દ્વારા યોગ્ય સફાઈ પણ કરવામાં આવતી ન હોવાથી જોગર્સ પાર્ક માં આવતા લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ વિસ્તારમાં કેટલાક લોકો ફૂટપાથ પર રહે છે તેઓ પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટનો ઉપયોગ કરવાના બદલે જોગર્સ પાર્કમાં જ શૌચક્રિયા કરી ગંદકી કરી રહ્યાં છે. આવી ગંભીર ફરિયાદ સિનિયર સિટીઝને પાલિકાના માજી વિપક્ષી નેતા બાબુ કાપડિયાને કરી હતી તેઓએ અઠવા ઝોનના અધિકારીઓને ફરિયાદ કરી આ સમસ્યા દુર કરવાની માગણી કરી છે.