સુરતના સરસીયા ખાજા 154 વર્ષના થયા, 1869માં શરૂ થઈ હતી ખાજાની પહેલી દુકાન
- સુરતના સરસીયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી : કેનેડા, અમેરિકા લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોઁચે છે
- સુરતમાં કેરીના આગમન સાથે જ ખાજાની પણ એન્ટ્રી, મૂળ સુરતીઓના કેરીગાળો ખાજા વિના અધુરો
સુરત,તા.24 મે 2023,બુધવાર
સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે સુરતમાં આજે ખાજા 154 વર્ષના થઈ ગયા છે. 1869 માં ખાજાની દુકાન ભાગળ વિસ્તારમાં શરૂ થઈ હતી. વર્ષો પહેલાં ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસ ના વિસ્તાર પુરતી સિમિત રહી હતી પરંતુ આ ખજાનો ટેસ્ટ હવે વિદેશમાં રહેતા સુરતીઓને દોઢે લાગ્યો છે. સુરતના સરસીયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી કેનેડા, અમેરિકા લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોચે છે. સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં વખણાતો હોવાથી હવે વિદેશ પેકીંગ ખાસ કરવામાં આવે છે.
સુરતમાં કેરીની સિઝન શરૂ થતાની સાથે જ મૂળ સુરતી જ્ઞાતિઓમાં કેરીગાળો શરૂ થઈ જાય છે. કેરી સિઝનમાં સુરતી જ્ઞાતિમાં દીકરી અને જમાઈને બોલાવી કેરીનો રસ ખાજા અને અન્ય વાનગીઓ સાથે રાખીને મીજબાની કરવામાં આવે છે. સુરતમાં ખાજાની દુકાન 1869 માં શરૂ થઈ હતી તેની છઠ્ઠી પેઢીના મુકુંદ સુખડિયા કહે છે, સુરતમાં કેરી આવે ત્યારથી વરસાદ પૂરો થાય ત્યાં સુધી અમારે ત્યાં સરસીયા ખાજાનું વેચાણ થાય છે.
સુરત સહિત આસપાસના વિસ્તારમાં સરસીયા ખાજાનું વેચાણ થતું હતું. અને સુરતીઓ આ સિઝન ખાજા માટે લોકો ઉતાવળા બને છે તેવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં પણ ખાજા મોકલવામાં આવી રહ્યા છે. સ્વાદિષ્ટ સુરતી સરસિયા ખાજા માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વખણાય છે. મૂળ સુરતના અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા સુરતીઓ હજી પણ સરસીયા ખાજાનો ટેસ્ટ ભુલ્યા નથી. હાલમાં કેનેડા, અમેરિકા લંડન સહિત અનેક દેશમાં સુરતી ખાજા પહોચે છે એના માટે ખાસ પેકીંગ કરવામા આવે છે. વિદેશ સુધી ખાજા આખા પહોંચે તે માટે બોક્સ પેકીંગ સાથે થર્મોકોલ અને ફોઈલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો અને ભારતના અન્ય રાજ્ય કે શહેરમાં રહેતા સુરતીઓ પણ ખાજા મોકલવામા આવે છે. સુરતમાં રહેતા લોકો પોતાના સ્વજનો સુધી ખાજા ખરીદી જાય છે અને ખાજા પહોંચાડવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અમારે ત્યાં ખાજા બનાવવાની કામગીરી છ પેઢીઓથી ચાલી આવે છે. પરંતુ સુરતીઓના ટેસ્ટનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. સુરતીઓને જે ટેસ્ટ જોઈએ છે તેમાં અમે કોઈ બાંધછોડ કરતા નથી.
સમયની સાથે સાથે સુરતી ખાજાનો ટેસ્ટ પણ ટ્વીસ્ટ થયો : સુરતમાં સરસીયા-મોળા ખાજા સાથે સાથે મેંગો ખાજા, ચોકલેટ ખાવાની ડિમાન્ડ વધી
સુરતમાં કેરીની સિઝન શરૂ થતાની સાથે જ ખાજાનું વેચાણ શરુ થઈ જાય છે વર્ષોથી સુરતમાં મરીના ખાજા નું વેચાણ થતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતી ખાજાનો ટેસ્ટ ટ્વીસ્ટ થઈ ગયો છે. પહેલા સરસીયા ખાજા મળતા હતા પરંતુ હવે ખાજા પણ ફ્લેવર્ડ માં મળતા થયાં છે. હવે સુરતની દુકાનોમાં સરસીયા ખાજા સાથે સાથે મીઠા અને મેંગો ખાજા સાથે સાથે ચોકલેટ ખાજાનો ટ્રેન્ડ પણ શરુ થયો છે.
સુરતમાં ફ્લેવર્ડ ખાજાનું વેચાણ કરતા જયેશ ખીલોસિયા કહે છે, બાળકોને ચોકલેટ ખુબ ભાવે છે અને બાળકો મરીવાળા ખાજા ખાતા નથી એટલે અમે ચોકલેટ ખાજા બનાવવાનું શરૂ કર્યું હતું અને લોકોને આ ટેસ્ટ ઘણો જ ભાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી મેંગો ખાજાની પણ ડિમાન્ડ થતી હતી તેથી અમે મેંગો ખાજાનું પણ વેચાણ કરી રહ્યાં છે. આવી જ રીતે સરસીયા ખાજાનો ટેસ્ટ ટ્વીસ્ટ થતાં હવે સુરતમાં મેંગો, મીઠા અને ચોકલેટ ખાજાનું વેચાણ થઈ રહ્યું છે.