સુરત: દિવાળીમાં પરિવાર સાથે વતન ગયેલા આધેડના ઘરનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના-ભગવાનના ચાંદીના સિક્કા મળી રૂ.32 હજારની મત્તાની ચોરી કરી

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
સુરત: દિવાળીમાં પરિવાર સાથે વતન ગયેલા આધેડના ઘરનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના-ભગવાનના ચાંદીના સિક્કા મળી રૂ.32 હજારની મત્તાની ચોરી કરી 1 - image


- ઉપરના માળે રહેતા મોટાભાઈએ દરવાજો ખુલ્લો જોઈ પુત્રવધુ દીવો કરવા આવી હશે માની ધ્યાન નહીં આપ્યું, બાદમાં પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ

સુરત,તા.8 નવેમ્બર 2021,સોમવાર

સુરતના કતારગામ રાશી સર્કલ પાસે ભુલાભાઇ દેસાઇ પાર્ક સોસાયટીમાં બુધવારે સવારે પરિવાર સાથે વતન ગયેલા આધેડના ઘરનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના-ભગવાનના ચાંદીના સિક્કા મળી રૂ.32 હજારની મત્તાની ચોરી કરી હતી. બીજા દિવસે મળસ્કે દિવાળીના દિવસે ઉપરના માળે રહેતા મોટાભાઈએ દરવાજો અર્ધ ખુલ્લો જોઈ પુત્રવધુ દીવો કરવા આવી હશે માની ધ્યાન આપ્યું નહોતું. બાદમાં પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના લાઠીના કૃષ્ણગઢના વતની અને સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે ભુલાભાઇ દેસાઇ પાર્ક સોસાયટી ઘર નં.એ/7 ના પહેલા માળે રહેતા 64 વર્ષીય ભુપતભાઇ ભગવાનભાઇ કનાળા વરાછા દિવાળીબાગ સોસાયટીમાં ડાયમંડ સ્ક્રેપ શરણ માંજવાનો વેપાર કરે છે. તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા તેમના નાનાભાઈ લુણશીભાઈ ( ઉ.વ.50 ) ગત બુધવારે સવારે 11 વાગ્યે ઘરને તાળું મારી દિવાળીમાં પરિવાર સાથે વતન જવા નીકળ્યા હતા. બીજા દિવસે દિવાળી સવારે 5 વાગ્યે ભુપતભાઇ દૂધ લઈ ઘરે પરત ફરતા હતા ત્યારે નાના ભાઈના ઘરનો દરવાજો અર્ધખુલ્લો હતો. દિવાળી હોય પુત્રવધુ દીવો કરવા આવી હશે માની તેમણે ધ્યાન આપ્યું નહોતું.

જોકે, પાંચ મિનિટ બાદ પૌત્રી સાથે નીચે આવી તેમણે જોયું તો નકુચો તૂટેલો હતો અને બેડરૂમમાં સામાન વેરવિખેર હોય ચોરીની જાણ થઈ હતી. તપાસ કરતા કબાટની અંદરનું લોકર તોડી ચોરે રૂ.30 હજારની કિંમતની સોનાની બે વીટી અને ભગવાનના મંદિરમાંથી બે ચાંદીના સિક્કા મળી કુલ રૂ.32 હજારની મત્તા ચોરી હતી. આ અંગે ભૂપતભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News