દિવસે સુરતના રસ્તા સુમસામ તો રાત્રે હોટલ- રેસ્ટોરન્ટ હાઉસ ફુલ
- કોરોના બાદ છુટની પહેલુ વેકેશન માણવા સુરતીઓ ઉત્સુક
કોરોનાના બ્રેક બાદ દિવાળી વેકેશનનો ક્રેઝ વધ્યોઃ દિવસ દરમિયાન ઘરમાં આરામ તો રાત્રે ફ્રેન્ડ ફેમીલી સાથે પાર્ટીનો દૌર
સુરત, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર
સુરતમાં કોરોના સંક્રમણ બાદ મળેલી મળેલી છુટછાટ બાદ આવેલું પહેલું દિવાળી વેકેશન એન્જોય કરવા માટે સુરતીઓ ઉતાવળા બન્યા છે. અનેક સુરતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા માટે બહાર નિકળ્યા છે ત્યારે સુરતમાં રહેલાં સુરતીઓ પણ વેકેશન મોજથી માણી રહ્યાં છે.
દિવસે સુરતના રસ્તાઓ સુમસામ જોવા મળે છે તો રાત્રીના સમયે હોટલ રેસ્ટોરન્ટ અને લારીઓ પર હાઉસ ફુલ જેવી સ્થિતિ છે. સુરતમાં દિવાળી વેકેશન ઉજવવા માગતા સુરતીઓનો મુડ શહેરના રસ્તા પર જોવા મળી રહ્યો છે.મોજીલા સુરતીઓની તહેવારને એન્જોય કરવની ખાસીયતના કારણે દિવસે સુરતના રસ્તાઓ પરથી વાહનો ગાયબ થઈ જાય છે.
પરંતુ રાત્રીના સમયે સુરતીઓ ફેર્ન્ડ અને ફેમીલી સાથે વેકેશન માણવા રસ્તા પર ઉતરી પડતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે. મોટા ભાગના સુરતીઓને હજી પણ વેકેશનનો મુડ હોવાથી લાભ પાંચમના મુર્હુત બાદ પણ ખાણી પીણી સિવાય મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે.
હાલમાં અનેક પરિવારો આરામ ફરમાવી રહ્યાં હોવાથી દિવસે તેઓ ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે તેથી સુરતના મોટા ભાગના રસ્તા દિવસ દરમિયાન સુમસાન જોવા મળે છે પરંતુ દિવસે આરામ ફરમાવતાં સુરતીઓ રાત્રીના સમયે પરિવાર સાથે ખાણી પીણી માટે બહાર નિકળતાં સુરતની મોટા ભાગની હોટલ અને રેસ્ટોરન્ટ પર હાઉસ ફુલ જેવો માહોલ છે.
માત્ર હોટલ રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ ખાણી પીણીનું વેચાણ કરતી લારીઓ પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે. કોરાના બાદનું છુટનું પહેલું વેકેશન માણવા માટે સુરતીઓ વધુ ઉત્સુક હોવાથી દિવસે અને રાત્રે સુરતના રસ્તા ઉપર વિરોધાભાષી દ્રષ્યો જોવા મળી રહ્યાં છે.