સુરતમાં રસ્તા પર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે યમદૂત સમાન : પાલનપોર વોક-વે પાસેનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી
Surat News : સુરત શહેરમાં ચોમાસાની સાથે સંખ્યાબંધ રસ્તાઓ તૂટી ગયાં છે અને હવે સુરત શહેરના રસ્તા એટલા ખરાબ થઈ ગયાં છે કે વાહન ચાલકોએ અકસ્માત વીમો લઈને વાહન ચલાવવા પડે તેવી હાલત થઈ ગઈ છે. સુરત શહેરના રસ્તા પર પડેલા ખાડા વાહન ચાલકો માટે યમદૂત સમાન બની ગયાં છે. તેમાં પણ રાંદેર ઝોનના પાલનપોર વોકવે પાસેનો રસ્તા વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. પાલનપુર થી પાલ વોક-વે તરફ સીસી રોડ-પેવર બ્લોક વચ્ચેનો ગેપના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોરથી પાલ તરફ જતો વોક-વે છે આ વોક-વેના બન્ને તરફ સીસી રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હોવાથી આ રોડ પર અનેક ખાડા પડ્યા છે તેને રિપેર કરવામા આવ્યા હોવા છતાં ફરીથી ખાડા પડી ગયા છે. આ જગ્યાએ બે સીસી રોડ વચ્ચેનો ગેપ પણ વધારે છે તેના કારણે ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. આ ઓછું હોય તેમ આ જગ્યાએ સીસી રોડ સાથે પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યો છે. તે પણ હાલ વરસાદમાં બેસી ગયો છે અને બ્લોક બેસી ગયાં છે અને સીસી રોડ ઉંચો થઈ ગયો છે. તેના કારણે આ બન્ને રોડ વચ્ચે પાંચ ઇંચથી વધુનો ગેપ છે સાથે અનેક જગ્યાએ રોડ તુટી ગયો છે તેથી આ જગ્યાએ અનેક વાહનો સ્પીપ થઈ રહ્યાં છે. આવી અનેક ફરિયાદ છતાં તંત્રની આંખ ખુલતી ન હોવાથી મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે.