સુરત પાલિકા કોન્ટ્રાક્ટ રોડ બનાવવા આપે છે કે બેસાડવા? બે મહિના પહેલા બનેલા રોડની હાલત જુઓ
Surat Corporation Road Work : સુરત શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ આ વરસાદ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી રહી છે. તેમાં પણ પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા વિસ્તારમાં બે મહિના પહેલા જ બનાવેલો રસ્તો આખેઆખો બેસી ગયો છે.
આ જગ્યાએ પાણી-ડ્રેનેજ કામગીરી બાદ રસ્તો બનાવવામાં ઉતારવામાં આવેલી વેઠ કે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે રસ્તો બેસી જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વરસાદ શરૂ થવાની સાથે જ અનેક જગ્યાએ ભૂવા પડવા સાથે રસ્તા બેસી જવાની ઘટના પણ બની રહી છે. થોડા દિવસ પહેલાં લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં બે મહિના પહેલા બનેલા રસ્તા પર બનેલા રસ્તો બેસી ગયાં બાદ આજે રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં પણ બે મહિના પહેલાં બનેલો રસ્તો આખેઆખો બેસી ગયો છે. તેના કારણે પાલિકા રસ્તાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે. લોકો એવી ટીખળ કરી રહ્યાં છે કે, સુરત પાલિકા રસ્તા બનાવવા કોન્ટાક્ટ આપે છે કે રસ્તા બેસાડવાનો ?
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા વિસ્તારમાં બે મહિના પહેલાં જ સુરત-ઓલપાડ બ્રિજ નજીક શિખર એવન્યુ અને સુમન વંદન તરફ જતો રોડ અચાનક બેસી ગયો છે. આ રોડ પર બે મહિના પહેલાં ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી પુરી થતાં રસ્તો બનાવવામાં આવ્યો હતો. જોકે, કામગીરી પુરી થયાં બાદ યોગ્ય પુરાણ કે વોટરીંગની કામગીરી કર્યા વિના જ રસ્તો બનાવી દેવાયો હતો તે બેસી ગયો છે.
બે મહિના પહેલા બનાવેલા રસ્તા સાથે અડધો રોડ જુનો છે અને વર્ષો પહેલા બનાવવામા આવ્યો છે તેમાં કોઈ નુકસાન થઈ નથી અને રોડ યોગ્ય છે. તેથી બે મહિના પહેલા રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તાની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બહાર આવી છે. આ રોડની કામગીરી માટે વિજીલન્સ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.