સુરત શહેરમાં બ્રિજ બ્યુટિફિકેશન સાથે-સાથે રોડ બ્યુટીફીકેશનની કામગીરી પણ થશે
- અઠવા ગેટ થી ONGC ચાર રસ્તા સુધીનો રોડ પાલિકા ગૌરવ પથ- 2 તરીકે ડેવલપ કરશે
- 10 કિલોમીટર લાંબા આ રોડને 19.59 કરોડના ખર્ચે ડેવલપ કરવા આયોજન, સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
સુરત,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં અઠવાગેટ થી એરપોર્ટ તરફ જતા રોડને ગૌરવ પથ- 2 તરીકે ડેવલપ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. અઠવાગેટ થી ઓએનજીસી બ્રિજ સુધી જતો 10 કિલોમીટર રોડને 19.59 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવા માટે કવાયત થઈ રહી છે.
સુરતના એરપોર્ટ રોડને પાલિકાએ પીપીપી ધોરણે આઈકોનિક રોડ બનાવ્યો છે. ત્યાર બાદ હવે અઠવાગેટ થી એરપોર્ટ ( ઓએનજીસી) તરફ જતાં રોડને પણ આઈકોનિક રોડ (ગૌરવપથ-2) તરીકે ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ આઈકોનિક રોડ બની જશે ત્યાર બાદ અઠવાગેટ થી એરપોર્ટ સુધીનો રોડ ગૌરવપથ-2 ( આઈકોનિક) રોડ બની જશે.
સુરત પાલિકા અનેક રોડને પીપીપી મોડલ પર આઈકોનિક રોડ બનાવવા માટે આયોજન કરી રહી છે. પરંતુ અઠવાગેટથી ઓએનજીસી બ્રિજ સુધીના રોડને આઈકોનિક રોડ બનાવવા માટે 19.59 કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડર માટે ઓફર આવ્યા બાદ આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ રોડને ડેવલપ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામા આવી છે તેના પર નિર્ણય કરાશે.