સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસમાં ભાડુઆતોની વધતી સંખ્યા લાભાર્થીઓ માટે આફત
Pic: Filephoto
Pradhan Mantri Awas Yojana Surat : સુરત પાલિકા અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવાસ વિહોણા લોકો માટે આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાલિકા સરકાર આવાસ તો બનાવે છે પણ તેનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલા વેસુના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બિલ્ડીંગોમાં ભાડુઆતોની વધતી સંખ્યા લાભાર્થીઓ માટે આફતરૂપ બની રહી છે. આ અંગે લાભાર્થીઓએ ફરિયાદ કરી છે છતાં નિયમોનો ભંગ કરનારા લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
સુરત પાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય આવાસ યોજના હેઠળ હજારો આવાસ બન્યા છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં રાહુલરાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન મલ્હાર બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે. આ આવાસના ડી-બિલ્ડીંગમાં લાભાર્થીઓની સાથે ભાડુઆતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે બિલ્ડીંગમાં અનેક સમસ્યા થતી હોવાથી સુમન મલ્હાર ડી-બિલ્ડીંગમાં નિયમ વિરુદ્ધ રહેલ ભાડુઆત પર કાયદાકીય કાર્યવાહી કરવા પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ સેલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરનારા લોકોએ પાલિકા સમક્ષ રજૂઆત કરતાં કહ્યું છે કે, આ આવાસ યોજના હેઠળ ગરીબોને મકાન આપવામાં આવ્યા છે, તેમાં જે ખરેખર જરૂરિયાતમંદ લોકો હતા તે લોકો રહેવા આવી ગયા છે. પરંતુ તે સિવાયના મકાન માલિક સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમો નેવે મૂકીને પોતાના મકાન અન્ય લોકોને ભાડે આપી કમાણીનું સાધન બનાવી દીધું છે. આવા લોકોને સુરત મહાનગર પાલિકાના નિયમનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી, જેથી અમારી બિલ્ડીંગમાં દિવસેને દિવસે ભાડુઆતની સંખ્યા વધી રહી છે. જેથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે.
સરકારના નિયમ મુજબ સાત વર્ષ સુધી આવાસ ભાડે આપી શકાય તેમ ન હોવા છતાં પણ જે લોકોને આવાસની જરૂર નથી તેવા લોકો ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યાં છે તેના કારણે જેમને જરૂરિયાત છે તેવા લોકો આવાસથી વંચિત છે. એટલું જ નહીં પરંતુ ભાડે આપનારા લોકો લાભાર્થીઓ સાથે દાદાગીરી કરી રહ્યાં છે. અને જે ભાડુઆતો છે તેમાંથી કેટલાક ક્રિમીનલ હોવાનો ભય પણ લાભાર્થીઓને સતાવી રહ્યો છે. જેના કારણે ભાડુઆતને ખાલી કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.