સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ બીજે દિવસે યથાવત, મોટી સંખ્યામાં ડોકટરો જોડાયા
Surat Doctors Protest : કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેને લીધે સુરત શહેરમાં સહિતના તમામ ડોકટરો દ્વારા મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે તથા આરોપીને કડક સજા થાય તે માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જોકે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ સહિતના ડોક્ટરોએ આજે બીજે દિવસે પણ હડતાલ યથાવત રાખી કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે આઇએમએ સહિત મેડિકલને વિવિધ એસોસિએશન તથા પેરા મેડિકલ સ્ટાફ સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે રેલી કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કલકત્તામાં હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય અપરાધને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત, બ્રાન્ચ દ્વારા આજે શનિવારે સવારેથી તા.18મી સવાર સુધી સુરત શહેરના તમામ ડોકટરો એક દિવસ (24 કલાક) પ્રતિક હડતાલ પાડીને વિરોધ નોંધાવશે અને ડોકટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. તેમજ શનિવારે સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે આઇ.એમ.એ સહિત વિવિધ ડોકટરો ઓસો.ના 500થી વધુ ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફ સહિતના લોકો એકત્ર થઇને નવી સિવિલ ખાતેથી રેલી કાઢીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રેલી થકી ડોકટરો દ્વારા પીડિતા ડોક્ટરને ન્યાય અપાવાની અને ગુનેગારને કડકમાં કડક સજાય થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી.
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે બીજે દિવસે પણ રેસીડન્ટ ડોક્ટર સહિતના ડોક્ટરોએ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરી હડતાલ યથાવત રાખી હતી અને પોતાના કામથી અળગા રહ્યા હોવાથી દર્દીઓને હાલાકીઓનો સામનો નહિ કરવું પડે તે માટે બંને હોસ્પિટલ ટીચર્સ ડોક્ટરો સહિતના સિનિયર ડોકટરો ઓપીડીમાં ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો : VIDEO: કોલકાતા દુષ્કર્મ-હત્યાના વિરોધમાં અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ડોક્ટરોની રેલી