સુરતની શાળા બની ગઈ જાણે ગુરુકુલ : અડધા દિવસની શાળામાં રામધુન ગુજી, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ બન્યા રામમય
- શાળાઓની આસપાસ રામ રેલી નિકળી, શાળાઓમા પણ ભગવા ધ્વજ લહેરાયા, બચ્ચા બચ્ચા બોલ રહા હૈ જય શ્રી રામ જય શ્રી રામ
સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સુરતની સરકારી અને ખાનગી શાળાઓ સદીઓ પહેલાના ગુરુકુળ બની ગયાં હોય તેવો માહોલ થઈ રહ્યો છે. સુરત પાલિકાની સ્કૂલ અને ખાનગી સ્કૂલોમાં અડધા દિવસની રજા છે પરંતુ જે સમય છે તે સમયમાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો પણ રામ મય બની ગયાં છે. શાળાઓની આસપાસ રામ રેલી નીકળી, શાળામાં પણ ભગવા ધ્વજ લહેરાયા હતા.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ આ અડધા દિવસની રજા અંગે અનેક લોકો અવઢળ માં હતા. જોકે, આજે અડધા દિવસની શાળા શરૂ થઈ કે શિક્ષકો- વાલીઓ સાથે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થઈ ગઈ હતી. શાળાની શરૂઆત પહેલાં જ મોટા ભાગની શાળા ભગવા રંગે રંગાઈ ગઈ હતી અને વિદ્યા મંદિર રામ મંદિરની પ્રતિકૃતિ બની ગયા હોય તેમ ધ્વજ જોવા મળતા હતા. વિદ્યાર્થીઓ પણ જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. સ્કુલની આસપાસના વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ ભગવાન રામના બાળ સ્વરૂપ માં વેશ ધારણ કરીને આવ્યા હતા. આજે અડધો દિવસ દરમિયાન સ્કુલમાં અભ્યાસ ને બદલે રામ અધ્યાય હોય તેમ ગીત સંગીત અને વેશભુષાના કાર્યક્રમ જોવા મળ્યા હતા.