રક્ષાબંધન પર્વની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ઉજવણી, બંદીવાન ભાઈઓની રક્ષા માટે બહેનોએ ભીની આંખે બાંધી રાખડી
Surat Raksha Bandhan Special : સુરત શહેરમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. ત્યારે બીજી તરફ સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ બંદીવાન ભાઈઓને બહેનો રૂબરૂમાં રાખડી બાંધી શકે તે તે માટે દર વર્ષે આયોજન કરાવતું હોય છે. ત્યારે આજે જેલની અંદર યોજાયેલી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણી સભર અને હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ જ્યારે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી ત્યારે ભાઈ અને બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તો બીજી તરફ આ દ્રશ્ય જોઈને તેમ હાજર પોલીસ બહેનો પણ રડી પડી હતી.
ગત વર્ષે સુરતની લાજપોર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની પર્વની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન ગોઠવ્યું હતું. એવા જ પ્રકારનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જેમાં કાચા-પાકા કામના જેલમાં બંધ બંદીવાનોની બહેન દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોતાના બંદીવાન ભાઈને મળીને તેની કલાઈ પર બહેન જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન જેલની અંદર ભાઈ બહેનના પ્રેમના ખૂબ જ લાગણી સભર અને હર્દય દ્રાવક દ્રશ્યો છલકાયા હતા.