સુરતમાં પૂણા કુંભારિયાની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા, 20 લોકોને બચાવાયા
Heavy Rain in Surat : સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યું છે તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલા પૂણા કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે. આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથણિક શાળામાં પ્રવેશી ગયા હતા. જોકે, ભારે વરસાદ અને પાણી ભરાવવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામા આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે.
સુરત પાલિકાના પૂણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા. પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જોકે, સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે.
પૂણા અને કુંભારિયામાં પાણીના ભરાવા વચ્ચે કુંભારિયાના 20 લોકોનું બોટમાં સ્થળાંતર
સુરત શહેરમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરત શહેરનું જનજીવન ખોરવી નાંખ્યું છે. તેમાં પણ નીચાણવાળા એવા પૂણા કુંભારિયાના લોકોની હાલત કફોડી થઈ રહી છે. ગઈકાલે મોડી રાત્રે પાણીના ભરાવાના કારણે 20 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આજે વહેલી સવારથી પૂણા અને કુંભારિયાનાં બોટ દોડતી થઈ છે.
સામાન્ય દિવસોમાં પૂણા કુંભારિયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે. પરંતુ હાલમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે આ વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી તેથી રોડ બંધ કરાયા છે. જેના કારણે હાલમાં આ વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામા આવી છે. આવી સ્થિતિને કારણે ગઈકાલે રાત્રે લિંબાયત ઝોન દ્વારા પૂણા-કુંભારિયાના 20 લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડી દીધા હતો. આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે.