સુરતમાં વરસાદે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી : ઉત્રાણ વિસ્તારમાં પાણી ભરાયા : લોકોને ભારે હાલાકી
Pre Monsoon work of SMC : સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બની ગયો હતો. સવારથી જ કાળા વાદળો છવાયા હતા અને અચાનક વરસાદ તુટી પડ્યો હતો. તેના કારણે નોકરી ધંધે જતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. આ વરસાદમાં ઉત્રાણ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની આસપાસ જ પાણીનો ભરાવો થઈ ગયો હતો. આ ઉપરાંત રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી.
સુરતમાં હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે સવારે વરસાદ તુટી પડ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે,પાલિકાના ઉત્રાણના નીચાણવાળા વિસ્તારમાં આટલા વરસાદમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. ઉત્રાણ પોલીસે જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વિસ્તારમાં અવર-જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.